દેશ અને દુનિયામાં આર્થિક મંદી જેવો માહોલ ચાલી રહ્યો છે પરંતુ ભારતનાં સ્માર્ટફોનનાં વેચાણમાં તેજી જોવા મળી રહી છે. સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીમાં વેચાણનો આંકડો સતત વધતો જોવા મળી રહ્યો છે.
તહેવારને લીધે સ્માર્ટફોનનાં વેચાણમાં વધારો થઈ રહ્યો છે. કન્સલ્ટિંગ ફર્મ ‘ટેક આર્ક’ના રિપોર્ટ મુજબ ચાલુ વર્ષમાં ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ભારતમાં કુલ 3.9 કરોડ સ્માર્ટફોનનું વેચાણ થશે. તેમાં 2.1 કરોડ સ્માર્ટફોન ઓનલાઇન પ્લેટફોર્મથી અને 1.8 કરોડ સ્માર્ટફોનનું
ઓફલાઈન માધ્યમથી વેચાણ થશે.
ગત વર્ષ કરતાં વેચાણમાં 30% વધારો થયો
ફેસ્ટિવલ સીઝનની શરૂઆતમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સ્માર્ટફોનનાં વેચાણમાં વધારો થયો છે. કેટલાક ઓનલાઇન પ્લેટફોર્મ પર સપ્ટેમ્બર મહિનાના અંતથી ઓક્ટોબર મહિનાની શરૂઆત સુધી 6 દિવસના સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન વિવિધ કંપનીઓએ કુલ 22 હજાર કરોડ રૂપિયાની પ્રોડક્ટ્સનું વેચાણ કર્યું હતું. તેમાંથી 55% હિસ્સો સ્માર્ટફોનનાં વેચાણનો છે. આ આંકડો ગત વર્ષની સરખામણી કરતાં 30% થી વધારે છે.
75થી વધારે નવાં મોડલ ફેસ્ટિવલ સીઝનમાં લોન્ચ થયાં
આ તહેવારની સીઝનમાં વિવિધ કંપનીઓના 75થી વધારે નવાં મોડલ લોન્ચ થયા છે. એપલ કંપનીએ તાજેતરમાં આઈફોન 11 સિરીઝ લોન્ચ કરી હતી. સેમસંગે પણ ગેલેક્સી ફોલ્ડ અને શાઓમીએ પણ તેનાં સ્માર્ટફોન લોન્ચ કર્યાં છે.
દિવાળી સેલમાં ડિસ્કાઉન્ટની સાથે EMIની સુવિધા
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઈ-કોમર્સ કંપનીઓની સાથે ઓફલાઈન સ્ટોર પણ બમ્પર ડિસ્કાઉન્ટ અને EMIની સુવિધા આપવામાં આવી રહી છે.
ઓનલાઇન અને ઓફલાઈન પ્લેટફોર્મ પર ડિસ્કાઉન્ટ ઓફર હેઠળ 1 હજારથી લઈને 10 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 6 મહિના કે તેથી વધારે સમયગાળા પહેલાં લોન્ચ થયેલાં સ્માર્ટફોન પર વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
બજાજ ફિનસર્વ, HDFC સ્ટેટ બેંક સહિત ઘણી બેંક દ્વારા ઓનલાઇન સેલમાં સરળ EMIની સુવિધા આપવામાં આવી રહી છે.