નવી દિલ્હીઃ કોરોનાના કારણે મોટા ભાગની ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું હોય ત્યારે ગૂગલના સર્વર ડાઉન થવાની સમસ્યાઓ સામે આવતી રહે છે. ત્યારે ફરીથી એકવાર ગૂગલની વીડિયો કોન્ફ્રેંસિંગ એપ ગૂગલ મીટ ભારત સહિત દુનિયાના અનેક હિસ્સાઓમાં ઠપ્પ છે, જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગૂગલ મીટના ડાઉન થવાથી ભારતીય યુઝર્સને ખૂબ જ પરેશાની થઇ રહી છે, કારણ કે ગૂગલ મીટ આજે એટલે કે 5 જૂનથી સવારથી જ ડાઉન છે અને સવારમાં જ ઓનલાઇન ક્લાસીસ ચાલી રહ્યાં છે. આ ઉપરાંત લોકોને ઓફિસની મીટિંગ પણ અટેંડ કરવાની હોય છે. ગૂગલ મીટ ઠપ્પ થવાની પુષ્ટિ ડાઉનડિરેક્ટરે પણ કરી છે.
ડાઉનડિરેક્ટર પર આપવામાં આવેલી જાણકારી અનુસાર ગૂગલ મીટ 5 જૂને સવારે 6 વાગીને 42 મિનિટથી ડાઉન છે. સવારે 10 વાગ્યા સુધી ડાઉનડિરેક્ટર પર આશરે 1000 લોકોએ તેના ઠપ્પ થવાની ફરિયાદ કરી છે. ગૂગલ મીટ પર લોકોને હજુ પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
63 ટકા લોકોએ મીટિંગ જોઇન ન કરી શકવાની ફરિયાદ કરી છે, જ્યારે 20 ટકા લોકોને લોગિન કરવામાં સમસ્યા આવી રહી છે. 16 ટકા લોકોની મીટિંગ શરૂ થવામાં સમસ્યા આવી. ગૂગલ મીટના ડાઉન થવાથી ભારતમાં સૌથી વધુ પરેશાની દિલ્હી, જયપુર, લખનઉ, કલકત્તા, ચંદીગઢના યુઝર્સને થઇ રહી છે.