ભારત સરકારે 119 એપ્સને બ્લોક કરવાના આદેશો જારી કર્યા હોવાના અહેવાલ છે. આમાંની મોટાભાગની એપ્સ ચીન અને હોંગકોંગની હતી. ભારત સરકારનો આ મોટો નિર્ણય વર્ષ 2020 પછી આવ્યો જ્યારે ભારતે TikTok સહિત 100 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે 2021 અને 22 માં પણ ઘણી એપ્સ બ્લોક કરવામાં આવી હતી, પરંતુ તેમની સંખ્યા એટલી વધારે નહોતી.
સિંગાપોર અને અમેરિકાની એપ્સ પણ બ્લોક
મીડિયા અહેવાલ મુજબ, લ્યુમેન ડેટાબેઝ પર ગૂગલના ખુલાસાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ આદેશો ભારત સરકારના માહિતી ટેકનોલોજી કાયદાની કલમ 69A હેઠળ જારી કરવામાં આવ્યા છે. જે મુજબ કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સુરક્ષા, સાર્વભૌમત્વ અથવા જાહેર વ્યવસ્થાના હિતમાં ઓનલાઈન સામગ્રી સુધી જાહેર જનતાની પહોંચને પ્રતિબંધિત કરી શકે છે. બ્લોક કરાયેલી મોટાભાગની એપ્સ વીડિયો અને વોઇસ ચેટ પ્લેટફોર્મ છે. ચીન અને હોંગકોંગ ઉપરાંત, કેટલીક એપ્સ સિંગાપોર, અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલિયાની પણ છે.
હજુ પણ કેટલીક એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ
ભારત દ્વારા પ્રતિબંધિત 119 એપ્સમાંથી કેટલીક હજુ પણ ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. આ સંદર્ભમાં, ગૂગલ કહે છે કે તે સરકાર સાથે કામ કરશે અને ટૂંક સમયમાં તેમને પ્લે સ્ટોર પરથી દૂર કરશે. તે જ સમયે, કેટલીક એપ્સના ડેવલપર્સ જેમની એપ્સ બ્લોક કરવામાં આવી હતી, તેમણે કહ્યું કે તેમને ખબર પડી કે તેમની એપ્સ ફક્ત ગૂગલ દ્વારા જ બ્લોક કરવામાં આવી રહી છે. સિંગાપોર સ્થિત ચિલચેટ એપ ડેવલપરે જણાવ્યું હતું કે ભારતમાં તેમના બ્લોક થવાથી માત્ર તેમના પર જ મોટી અસર પડશે નહીં પરંતુ ભારતીય યૂઝર્સ મનોરંજન પર પણ તેની અસર પડશે. દરમિયાન, ભારત સરકારના માહિતી ટેકનોલોજી મંત્રાલયે સુરક્ષાને ધ્યાનમાં રાખીને હજુ સુધી તેનો જાહેરમાં ખુલાસો કર્યો નથી.