વ્હોટ્સએપ અત્યારે દુનિયાની સૌથી પોપ્યુલર ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ છે તેમાં કોઇ બેમત નથી. જોકે, યુઝર્સની પ્રાઇવેસીને લઇને તેના પર અવારનવાર સવાલ ઉઠતા રહ્યાં છે. તાજેતરમાં ભારત સહિત દુનિયાભરમાં આશરે 1400 લોકોના વૉટ્સએપ એકાઉન્ટ હેક થયા બાદ હવે લોકો અન્ય મલ્ટીમીડિયા મેસેજિંગ એપનો સહારો લઇ રહ્યાં છે. સાયબર એક્સપર્ટસે જણાવ્યા અનુસાર ટેલિગ્રામ અને સિગ્નલ એપને લોકો ખૂબ ડાઉનલોડ કરી રહ્યાં છે.
અમેરિકન એપ એનાલિટિક્સ ફર્મ એપ એની તરફથી જારી કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, એપ્પલ સ્ટોર પર ગત રવિવારે સોશિયલ નેટવર્કિંગ એપની ડાઉનલોડિંગ લિસ્ટમાં સિગ્નલ 39મા નંબરે પહોંચી ગઇ છે જ્યારે ગત અઠવાડિયે આ એપ 105મા નંબરે હતી.
સાથે જ ગૂગલ પ્લે સ્ટોર પર સિગ્નલ ધડાધડ ડાઉનલોડ થવાના કારણે 31મા નંબરે આવી ગઇ છે. જે અગાઉ 255મા સ્થાને હતી. સાથે જ ટેલીગ્રામ એપને પણ લોકો ખૂબ જ ડાઉનલોડ કરી રહ્યાં છે. સિક્યોરિટી એક્સપર્ટ્સ અનુસાર વૉટ્સએપના મુકાબલે અમેરિકન એપ સિગ્નલ અને રશિયાની એપ ટેલિગ્રામ વધુ સુરક્ષિત છે.
એપ ઇન્ટેલિજન્સ ફર્મ સિમિલર વેબના રિપોર્ટ અનુસાર જૂન 2017માં ટેલિગ્રામના ગ્લોબલ યુઝર્સમાં ભારતીય યુઝર્સની સંખ્યા ફક્ત 2 ટકા હતી જે સપ્ટેમ્બર 2019 સુધી 12 ટકા સુધી પહોંચી ગઇ છે. ફક્ત સપ્ટેમ્બર મહિનામાં 91 લાખ યુઝર્સે ટેલિગ્રામને ઇન્સ્ટોલ કરી છે.
જણાવી દઇએ કે 1400 પત્રકાર અને સામાજિક કાર્યકર્તાઓના વૉટ્સએપ એકાઉન્ટની જાસૂસી બાદ વૉટ્સએપ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. તાજેતરમાં જ અમેરિકાની એક કોર્ટમાં વૉટ્સએપે ઇઝરાયલના એનએસઓ ગ્રુપ પર પિગાગસ સોફ્ટવેર દ્વારા હેકિંગનો આરોપ લગાવ્યો છે જે બાદથી આ બબાલ શરૂ થઇ છે.