અત્યાર સુધી આપણે વ્યક્તિના શરીર પર ટેટૂ જોયા છે. લોકો જાતભાતના ટેટૂ કરાવીને પોતાનું આખું શરીર ચિતરાવી નાખે છે. પરંતુ હવે આ ટેટૂના ટ્રેન્ડથી એક આખી બાઇક રંગાઈ ગઈ છે. કસ્ટમ બાઇક બનાવનાર કંપની ગેમ ઓવરે દુનિયાની પ્રથમ ટેટૂડ બાઇક બનાવી છે. આ બાઇક હાર્લી ડેવિડસન હેરિટેજ બાઇક પર બેઝ્ડ છે. આ બાઇકનો લગભગ દરેક પાર્ટ લેધરથી કવર થયેલો છે અને આ જ લેધર પર હાથથી ટેટૂ બનાવવામાં આવ્યાં છે. બાઇકની કિંમત એક મિલિયન ડોલર એટલે કે આશરે 7.4 કરોડ રૂપિયા છે. યૂનિક સ્ટાઇલિંગના કારણે આ બાઇક વિશ્વભરમાં અનેક અવોર્ડથી સન્માનિત થઈ ચૂકી છે. કંપનીએ જણાવ્યું કે, આ બાઇક બનાવવામાં 3000 કલાકનો સમય લાગ્યો, જ્યારે તેની ઉપર ટેટૂ બનાવવામાં અલગથી 2500 કલાક લાગ્યા હતા.પાર્ટ્સ પણ ટેટૂ મશીનથી ઇન્સ્પાયર્ડ 7.4 કરોડ રૂપિયાની આ બાઇક તેના યૂનિક ટેટૂ અને કસ્ટમ એલિમેન્ટ્સના કારણે પોપ્યુલર થઈ રહી છે. તેના પાર્ટ્સને પણ સ્પેશિયલી મોડિફાઇડ કરવામાં આવ્યા છે. જેમ કે, તેના ઇગ્નિશન પ્લગને રિયલ ટેટૂ ગન જેવો બનાવવામાં આવ્યો છે, એક્ઝોસ્ટ પાઇપ એટલે કે સાઇલેન્સર પણ ટેટૂ મશીનની જેમ ડિઝાઇન આપી છે. ફ્રંટ કેલીપર્સને હેન્ડકફ્સ, ક્લચ અને બ્રેક લીવરને બટરફ્લાય નાઇફ, ગિયરશિફ્ટ લિવરને ક્રોબાર જેવો લુક આપવામાં આવ્યો છે. બ્રેક લાઇટ્સ પંચ જેવી દેખાય છે, જ્યારે કિક સ્ટાર્ટ બોમ્બ ડિટોનેટર લિવર જેવું દેખાય છે.