ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)એ કહ્યું છે કે મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP) માટે નવી સિસ્ટમ 11 નવેમ્બરથી અમલમાં આવશે. આ કારણોસર 4થી 10 નવેમ્બર દરમિયાન MNP માટે અરજી નહીં કરી શકાય. TRAIનું કહેવું છે કે નવી સિસ્ટમ લાગુ થયા પછી MNPમાં લાગતો સમય ઘટી જશે.
સિમ પોર્ટ 5 દિવસની અંદર થઈ જશે
TRAIના અધિકારીના જણાવ્યા અનુસાર, જો કોઈ નવી સિસ્ટમ લાગુ થયા પછી કોઈ વ્યક્તિ MNP કરાવે તો તેની પ્રક્રિયા 2 કાર્યકારી દિવસોમાં પૂર્ણ થઈ જશે.
તેમજ, એક સર્કલથી બીજા સર્કલ માટે નંબર પોર્ટેબિલિટીની વિનંતી 5 દિવસમાં પૂર્ણ થશે. અત્યારે આ પ્રક્રિયા પૂર્ણ થવામાં 7 દિવસનો સમય લે છે.
4 નવેમ્બરે 6 વાગ્યા પહેલાં અરજી કરી લો
- TRAIએ એક નિવેદનમાં કહ્યું કે, તમામ લાઇસન્સ સેવા ક્ષેત્ર માટે મોબાઇલ નંબર પોર્ટેબિલિટી 4 નવેમ્બર, 2019ના રોજ સાંજે 6 વાગ્યાથી 10 નવેમ્બર સુધી અરજી નહીં કરી શકાય.
- TRAIએ જણાવ્યું કે, MNP માટે 6 દિવસના સમયગાળાને નો સર્વિસ પિરિઅડ જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળો 4 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યાથી 10 નવેમ્બરની રાત 11.59.59 સુધી અમલમાં રહેશે.
- આ પ્રતિબંધ દેશના તમામ સર્કલ્સ માટે રહેશે. MNPના નવા નિયમ 11 નવેમ્બરની મધ્યરાત્રિથી અમલમાં આવી જશે.
- વર્તમાન સિસ્ટમ હેઠળ મોબાઇલ સબસ્ક્રાઇબર યૂનિક પોર્ટિંગ કોડ (UPC) જનરેટ કરીને 4 નવેમ્બરના રોજ સાંજે 5:59 મિનિટ અને 59 સેકન્ડ પહેલાં તમારી MNP એપ્લિકેશન સબમિટ કરી દો.
- 11 નવેમ્બરથી નવી સિસ્ટમ અમલમાં આવ્યા પછી ગ્રાહકોએ ફરીથી UPC કોડ જનરેટ કરવો પડશે. નો સર્વિસ પિરિઅડ દરમિયાન પણ UPC જનરેટ નહીં થાય.