નવી દિલ્હી : મોબાઈલ ફોનના વધી રહેલા ઉપયોગથી દરરોજ કોઈને કોઈ મુશ્કેલી સામે આવી રહી છે. જે મુદ્દાને લઈને સંશોધનકર્તાઓએ મોબાઈલ ફોનના વધતા ઉપયોગથી બાળકોનો થઇ રહેલી બીમારી અંગે ચેતવણી આપી છે.સંશોધનકર્તાઓનું કહેવું છે કે મોબાઈલના વધારે ઉપયોગથી બાળકોમાં કરોડરજ્જુને સંબધિત મુશ્કેલી સર્જાઈ શકે છે.
મોબાઈલ ફોન પર સતત ગરદન જુકેલી રહેવાથી કરોડરજ્જુના હાડકા પર વધારે દબાણ આવે છે. સંશોધનકર્તાઓએ જણાવ્યું હતું કે, આજકાલ બાળકો રોજના સરેરાશ ચાર કલાક જેટલો સમય મોબાઈલ ફોન પર પસાર કરતા હોય છે. મતલબ, વર્ષમાં સરેરાશ 1400 કલાક મોબાઈલ ફોન પરની ગતિવિધિમાં માથું જુકાવીને બેસી રહે છે. જેના લીધે બાળકોને ગરદન કે માથું દુખવાની સ્થાયી બીમારીનો સામનો કરવો પડે છે. આ બીમારીઓને શોધકર્તાઓએ “ટેક્સ્ટ નેક”નું નામ આપ્યું છે. શોધકર્તાઓએ કહ્યું છે કે, આ સમસ્યા ઘણીવાર એટલી ગંભીર બની જાય છે કે તેમાંથી મુક્તિ મેળવવા માટે ઓપરેશન કરાવવું પડે છે. આ આદતને લીધે બાળકોના મગજની મુખ્ય કોશિકાઓ પર પણ તેની અસર થઇ શકે છે. આ સિવાય આ મોબાઈલ ફોનની આદતને લીધે આંતરસ્ત્રાવીય આડઅસરો પણ સર્જાઈ શકે છે.
અમેરિકન ડૉ.કેનેથ હંસરાજે કહ્યું હતું આ સમસ્યાનું કારણ એ છે કે, માથું નીચે તરફ જુકેલું હોવાથી ગરદન અને કરોડરજ્જુના હાડકા પર પડનારો વજન ખુબ જ વધી જતું હોય છે. કોઈપણ માણસના માથાનું વજન સામાન્યપણે 4.5 થી 5.5 કિલોનું હોય છે. જોકે, માથું 15 ડીગ્રી નીચે જુકાવવાથી 12 કિલો જેટલું અને 60 ડીગ્રી જુકાવવાથી 24 કિલો જેટલું દબાણ વધી જતું હોય છે.
શોધકર્તાઓના કહેવા પ્રમાણે આ સમસ્યાથી યોગ્ય કસરત દ્વારા અમુક હદ્દ સુધી બચી શકાય છે. આ સિવાય બાળકો મોબાઈલ ફોન પર પસાર કરતા સમયમાં પણ કાપ મુકવો જોઈએ.