મુંબઈ : હવે બીજી કંપનીએ રિલાયન્સ ગ્રુપની કંપની Jio Platforms (જિયો પ્લેટફોર્મ્સ)માં હિસ્સો ખરીદવાના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાની વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ તેમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
નોંધપાત્ર વાત એ છે કે, કોરોનાથી આર્થિક સંકટ હોવા છતાં રિલાયન્સ ગ્રુપ માટે સતત સારા સમાચાર આવી રહ્યા છે. આ પહેલા ફેસબુક અને યુ.એસ.ની બીજી કંપની સિલ્વર લેકએ પણ જિયો પ્લેટફોર્મ્સમાં હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે.
કેટલો હિસ્સો હશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ ડીલ દ્વારા જિયો પ્લેટફોર્મનું ઇક્વિટી વેલ્યુએશન આશરે 4.19 લાખ કરોડ રૂપિયા છે. વિસ્ટા આ રોકાણમાંથી જિયોમાં 2.32 ટકા હિસ્સો ખરીદશે. આ રીતે, વિસ્ટા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ફેસબુક પછી ત્રીજી સૌથી મોટી રોકાણકાર હશે.
આ રીતે, જિયો પ્લેટફોર્મ્સે ત્રણ અઠવાડિયામાં ત્રણ રોકાણકારોને હિસ્સો વેચીને 60,596.37 કરોડ રૂપિયાનો બંદોબસ્ત કર્યો છે. વિસ્ટા મુખ્યત્વે સોફ્ટવેર, ડેટા અને ટેકનોલોજી આધારિત કંપનીઓમાં રોકાણ કરે છે.