નવી દિલ્હી : મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો (Reliance Jio) હવે સ્માર્ટફોન માર્કેટમાં પણ પ્રવેશ કરવા જઇ રહી છે. સમાચારો અનુસાર, જિયો ટૂંક સમયમાં 10 કરોડથી વધુ સસ્તા સ્માર્ટફોન લાવશે. ખાસ વાત એ છે કે આ એન્ડ્રોઇડ સ્માર્ટફોનની સાથે ડેટા પેક પણ આપવામાં આવશે. જો સૂત્રોની વાત માનીએ તો, જિયો ગૂગલના એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કામ કરતા 10 કરોડથી વધુ સસ્તા સ્માર્ટફોન બનાવવા માંગે છે.
ડિસેમ્બરમાં લોન્ચ કરી શકાય છે
સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઓછા બજેટના સ્માર્ટફોન સાથે ડેટા પેક પણ આપવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ ફોન્સ આ વર્ષે ડિસેમ્બર સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે અથવા તે આવતા વર્ષના પ્રારંભમાં બજારમાં લોન્ચ કરવામાં આવી શકે છે. રિલાયન્સે જુલાઈમાં કહ્યું હતું કે ગૂગલ તેના ડિજિટલ યુનિટમાં લગભગ 33,102 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ગૂગલ આવી એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ બનાવશે જે રિલાયન્સ દ્વારા રચાયેલ સસ્તા 4 જી અને 5 જી સ્માર્ટફોન પર કામ કરશે.
ચીની કંપનીઓ હરીફાઈનો સામનો કરશે
જિયોના આ સ્માર્ટફોનના આગમન પછી, ચીની સ્માર્ટફોન કંપની શાઓમી, રીઅલમી, ઓપ્પો અને વિવો જેવી કંપનીઓમાં કડક હરીફાઈ થશે. ઉલ્લેખનીય છે કે, ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીઓનો ભારતીય મોબાઇલ માર્કેટમાં મોટો હિસ્સો છે. ભારતમાં વેચાયેલા દર દસ સ્માર્ટફોનમાંથી ફક્ત આઠ આ જ કંપનીઓનો હોય છે.