જો તમે આવનારા સમયમાં સ્કૂટર અને બાઇક ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો તમારા માટે આ એક મહત્વના સમાચાર છે. હકીકતમાં દેશની સૌથી મોટી ટુવ્હીલર પ્રોડક્શન કંપની હીરો મોટોકોર્પે સમીક્ષા બાદ 1 જાન્યુઆરી 2020થી વાહનોની એક્સ શૉરૂમ કિંમતો વધારવાની ઘોષણા કરી છે. તેવામાં આગામી વર્ષે એક જાન્યુઆરીથી કંપની તમામ મોડેલની કિંમત 2000 રૂપિયા સુધી વધારી દેશે.
મારૂતિ સુઝુકીએ વધાર્યા ભાવ
તાજેતરમાં જ દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ જાન્યુઆરીથી પોતાના તમામ મોડેલના ભાવ વધારવાની ઘોષણા કરી હતી. કંપનીએ જણાવ્યા અનુસાર ઇનપુટ ખર્ચ વધવાના કારણે કિંમત વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે કયા મોડેલના કેટલા ભાવ વધશે તેના વિશે હાલ કંપનીએ કોઇ ખુલાસો નથી કર્યો.
આ કંપનીઓ પણ વધારશે ભાવ
મારૂતિ સુઝુકી ઉપરાંત મહિન્દ્રા, ટૉયોટા, ટાટા મોટર્સ અને અન્ય કાર નિર્માતા કંપનીઓએ પણ કિંમતમાં વધારો કરવાનું એલાન કરી દીધું છે. આ જ રીતે હીરો મોટોકોર્પે કિંમત વધાર્યા બાદ દેશની અન્ય ટુવ્હીલર નિર્માતા કંપનીઓ પણ પોતાના મોડેલના ભાવમાં વધારો કરવાની ઘોષણા કરી શકે છે.
બંધ થઇ જશે આ બાઇક્સના 50 વેરિએન્ટ્સ
દેશની સૌથી મોટી ટુ-વ્હીલર બનાવતી કંપની હીરો મોટોકોર્પે પોતાની કેટલીક બાઇક્સનું પ્રોડક્શન બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપની પોતાની બાઇક્સના આશરે 50 વેરિએન્ટ્સનું પ્રોડક્શન બંધ કરશે. કંપનીની રણનીતિ છે કે BS4 સ્ટાન્ડર્ડ વાળી બાઇક્સના પ્રોડક્શનમાં ઘટાડો કરવામાં આવે. પ્રાપ્ત માહિતી અનુસાર, હીરો મોટોકોર્પ BS4 બાઇક્સના 50 વેરિએન્ટ્સ બંધ કરવાની તૈયારી કરી રહી છે.