કેન્દ્ર સરકારે 1 ફેબ્રુઆરીના સામાન્ય બજેટમાં ઈલેક્ટ્રોનિક સામાન પર કસ્ટમ ડ્યૂટીમાં ફેરફારની જાહેરાત કરી હતી. જેના કારણે સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી, હેડફોન, ઈયરબડની કિંમતમાં ફેરફાર થશે. આ ફેરફાર 1 એપ્રિલ, 2022થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. આવી સ્થિતિમાં સ્માર્ટફોન સહિત કઇ પ્રોડક્ટની કિંમતમાં કેટલો વધારો થશે. આવો જાણીએ આ વિશે….
સ્માર્ટફોન
સરકારે મોબાઈલ ફોન ચાર્જરના ટ્રાન્સફોર્મર પાર્ટ્સ, મોબાઈલ કેમેરા મોડ્યુલના કેમેરા લેન્સ અને અન્ય એસેસરીઝ પર 5 થી 12.5 ટકા સુધીની કસ્ટમ ડ્યુટી મુક્તિ આપી છે. આ રીતે, સ્માર્ટફોન બનાવવાની કિંમતમાં ઘટાડો થશે. આવી સ્થિતિમાં, આશા છે કે સ્માર્ટફોન કંપનીઓ સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કરી શકે છે.
સ્માર્ટવોચ અને ફિટનેસ બેન્ડ
સરકારે 31 માર્ચ, 2023 સુધી સ્માર્ટવોચ ઉત્પાદકો માટે કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિની જાહેરાત કરી છે. આ કારણે 1 એપ્રિલ પછી દેશમાં સ્માર્ટ વોચ અને ફિટનેસ બેન્ડની કિંમતમાં ઘટાડો જોવા મળી શકે છે.
વાયરલેસ ઇયરબડ્સ
સરકારે ઈયરબડના ઉત્પાદનમાં વપરાતા ભાગોની આયાત પર ડ્યુટી વધારી છે, જેના કારણે 1 એપ્રિલથી ઈયરબડના ઉત્પાદન ભાવમાં વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં યુઝર્સને વાયરલેસ ઈયરબડ, નેકબેન્ડ હેડફોન માટે વધુ પૈસા ચૂકવવા પડશે.
પ્રીમિયમ હેડફોન્સ
સરકારે હવે હેડફોનની સીધી આયાત પર 20 ટકા વધુ ડ્યુટી લાદવાની જાહેરાત કરી છે. આ નિયમ પણ 1 એપ્રિલથી દેશભરમાં લાગુ થઈ રહ્યો છે, તેથી યુઝર્સને ઈમ્પોર્ટેડ હેડફોન માટે વધુ કિંમત ચૂકવવી પડશે. પરંતુ બીજી તરફ દેશમાં બનેલા હેડફોનની માંગમાં વધારો થતો જોવા મળી શકે છે.
રેફ્રિજરેટર્સ
બજેટ 2022 માં, સરકારે રેફ્રિજરેટર બનાવવામાં ઉપયોગમાં લેવાતા કોમ્પ્રેસર અને તેના ભાગો પર આયાત ડ્યુટી વધારવાની જાહેરાત કરી હતી, જે 1 એપ્રિલથી લાગુ થશે. આવી સ્થિતિમાં 1 એપ્રિલથી રેફ્રિજરેટર ઉત્પાદકો દેશમાં રેફ્રિજરેટરની કિંમતમાં વધારો કરી શકે છે.
નોંધ – રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સ્માર્ટફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોના ઉત્પાદન માટે જરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. તેથી, કિંમતમાં ઘટાડો અને વધારો સંપૂર્ણપણે ઉત્પાદકોની કુલ કિંમત પર નિર્ભર રહેશે.