નવી દિલ્હી : ચીનની માલિકીની લોકપ્રિય વિડિઓ એપ્લિકેશન ટિકટોક (Tiktok)માં હિસ્સો મેળવવા માંગતી કંપનીઓમાં વોલમાર્ટનું નામ પણ શામેલ કરવામાં આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોક પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે, આને અવગણવા માટે તેની પેરેન્ટ કંપની બાઇટડાન્સને 90 દિવસમાં અમેરિકન કંપનીને તેની યુ.એસ.ની કામગીરી વેચવી પડશે.
સોદા સાથે જોડાયેલા એક સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા રિટેલરે ટિકટોકના યુએસ બિઝનેસ ખરીદવા માટે માઇક્રોસોફટ સાથે સંયુક્ત બોલી લગાવી છે.
માઇક્રોસોફ્ટ અને વોલમાર્ટ પહેલેથી જ વ્યવસાયી ભાગીદાર છે
આ ગઠબંધન થોડું વિચિત્ર લાગશે, પરંતુ માઇક્રોસોફ્ટ અને વોલમાર્ટ પહેલાથી જ વ્યવસાયી ભાગીદાર છે. માઇક્રોસોફ્ટ ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવાઓ પ્રદાન કરે છે, જે રિટેલર સ્ટોર અને ઓનલાઇન શોપિંગ વ્યવસાય ચલાવવામાં સહાયક છે. 2018માં બંને કંપનીઓએ પાંચ વર્ષ ભાગીદારી કરી હતી.
વોલમાર્ટે 27 ઓગસ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, માઇક્રોસોફ્ટ અને ટિકટોક સાથેનો સોદો તેના જાહેરાતના વ્યવસાયને વધારવામાં અને વધુ દુકાનદારો સુધી પહોંચવામાં મદદ કરી શકે છે.