વૉટ્સઅપના સહ-સૃથાપક બ્રાયન એક્ટને આજે વધુ એક વખત કહ્યું હતુ કે જેમને પ્રાઈવસીની ચિંતા હોય એમણે ફેસબૂક ડિલિટ કરી દેવું જોઈએ. એક્ટને જાન કુઆમ સાથે મળીને દાયકા પહેલા વૉટ્સઅપની સૃથાપના કરી હતી. એ પછી 2014માં વૉટ્સઅપ ફેસબૂકે ખરીદી લીધું હતું. ફેસબૂકના સીઈઓ માર્ક ઝકરબર્ગની ઈચ્છા વૉટ્સઅપમાંથી નાણા કમાવવાની છે. આ મુદ્દે મતભેદ થતા બ્રાયને 2017માં કરોડો ડૉલરની નોકરી મુકી દીધી હતી. અગાઉ ફેસબૂકમાં યુઝર્સની માહિતી સલામત ન હોવાનો વિવાદ બહાર આવ્યો ત્યારે પણ બ્રાયને ફેસબૂક ડિલિટ કરવાનો સમય આવી ગયો હોવાનું કહ્યું હતું.
ફેસબુક યુઝર્સની અંગત માહિતીનો આ રીતે કરી રહ્યું છે ઉપયોગ
સાન ફ્રાન્સિસ્કો ખાતે ટેકનોલોજી ક્ષેત્રના જાણીતા મેગેઝિન વાયર્ડની 25મી વાર્ષિક સમિટ ચાલી રહી છે. આ સમિટમાં બ્રાયને કહ્યું હતુ કે ફેસબૂક તમારી એટલે કે વપરાશકર્તાઓની અંગત માહિતીનો ઉપયોગ જાહેર ખબર મેળવવા માટે કરી રહ્યું છે. માટે જેમને પોતાની પ્રાઈવસી જાળવવાની ચિંતા હોય એમણે ફેસબૂક છોડી દેવું રહ્યું.
ફેસબૂક પર એકાઉન્ટ ખોલતી વખતે ઘણી અંગત માહિતી આપવાની હોય છે. ફેસબૂકના દાવા પ્રમાણે આ બધી માહિતી ફેસબૂક પૂરતી જ મર્યાદિત રહે છે. પરંતુ એ દાવો 2017માં ખોટો સાબિત થયો હતો જ્યારે એક પછી એક ફેસબૂકના પ્રાઈવસી કૌભાંડ બહાર આવ્યા હતા.
2014માં વોટ્સએપને ખરીદ્યા બાદ ફેસબુક કરી રહ્યું છે આ કામ
વૉટ્સઅપની સૃથાપના વખતે જ બ્રાયન અને જાન એ વાતે સ્પષ્ટ હતા કે તેનો ઉપયોગ નાણા કમાવવા માટે નહીં કરીએ. પરંતુ વૉટ્સઅપને ફેસબૂકે 2014માં ખરીદી લીધા પછી તેમાંથી નાણા કમાવવાના વિવિધ કિમીયા વિચાર્યા હતા.
ફેસબૂકના સીઈઓ માર્ક સાથે આ મુદ્દે અસહમતી પછી બ્રાયને 2017માં વૉટ્સઅપ (ફેસબૂક) છોડી દીધું હતું. એ વખતે ઉતાવળા નિર્ણયને કારણે તેણે 85 કરોડ ડૉલરની શેરમૂડી ગુમાવવાની થઈ હતી. કેમ કે એ કેટલો સમય નોકરી કરે તો તેને 85 કરૉડ ડૉલરના શેર મળવાના હતા.
‘આ સિસ્ટમ છોડશે તો ફેસબુક એક મહાન પ્લેટફોર્મ’
પરંતુ પોતાના નૈતિક સિદ્ધાંત પર અડિખમ બ્રાયને એ તોતીંગ રકમ જતી કરી હતી.બ્રાયને કહ્યું હતુ કે વપરાશકર્તાની વિગતો, તેમના સર્ચની વિગતો, ટ્રેન્ડ્સ, પસંદ-નાપસંદ વગેરેની વિગતો એડવર્ટાઈઝરને આપવાની ફેસબૂકની નીતી-રિતી ખોટી છે.
ફેસબૂક એ સિસ્ટમ છોડી દેશે તો ફેસબૂક એક મહાન પ્લેટફોર્મ બની શકે છે. પરંતુ કમનસિબે ફેસબૂકે ખોટો રસ્તો અપનાવ્યો છે. ફેસબૂક યુઝર્સની પ્રાઈવસી વેચીને કમાણી કરી રહ્યું છે. હું તેની સાથે સહમત નથી, માટે હું ફેસબૂક ડિલિટ કરવાની સલાહ આપતો હતો અને આજે પણ આપુ છું.