દુબઈમાં તેજસ ફાઇટર જેટ થયું ક્રેશ, ક્રેશ સ્થળ પરથી ગાઢ કાળો ધુમાડો નીકળતા લોકોમાં ગભરાટ!
દુબઈ એર શોમાં શુક્રવારે ભારતીય વાયુસેનાનું તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું. વિઝ્યુઅલ્સમાં એરપોર્ટ નજીકના ક્રેશ સ્થળ પરથી ગાઢ કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો, જેનાથી ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
શુક્રવારે દુબઈમાં ચાલી રહેલા એર શો દરમિયાન ભારતીય વાયુસેનાનું તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું છે. આ સિંગલ-સીટ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
ભારતીય વાયુસેના (IAF) એ આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું, “ભારતીય વાયુસેનાનું તેજસ વિમાન દુબઈ એર શો 25 માં ક્રેશ થયું છે. આ ક્ષણે વધુ વિગતોની તપાસ કરવામાં આવી રહી છે.”
પાઇલટની સ્થિતિ પર સસ્પેન્સ
પ્રાથમિક અહેવાલો મુજબ, પાયલોટ સફળતાપૂર્વક ઇજેક્ટ (બહાર નીકળી) ન થઈ શક્યો હોવાના સમાચાર છે. જોકે, આ ઘટનામાં પાઇલટની વર્તમાન સ્થિતિ વિશે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. વિમાન ક્રેશ થવાનું ચોક્કસ કારણ શું હતું તે હજી સ્પષ્ટ થયું નથી.
દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક ક્રેશ થવાની ઘટના બની, જેના કારણે નજીકના વિસ્તારમાં તાત્કાલિક સુરક્ષા અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘટનાસ્થળના દ્રશ્યોમાં કાળો ધુમાડો આકાશમાં ઊંચે જતો જોવા મળ્યો હતો, જેની આસપાસ દર્શકોમાં ગભરાટ ફેલાયો હતો.
BREAKING: An Indian Tejas fighter jet crashed during an aerial display at the Dubai Air Show. pic.twitter.com/TvwUoe3juh
— Clash Report (@clashreport) November 21, 2025
એર શો અને સંરક્ષણ પ્રયાસો માટે ફટકો
‘તેજસ’ ભારત માટે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, જે મેક-ઇન-ઇન્ડિયા પહેલ હેઠળ વિકસાવવામાં આવ્યું છે. દુબઈ એર શો એક મોટું વૈશ્વિક પ્લેટફોર્મ હતું, જ્યાં ભારત પોતાના આ સ્વદેશી ફાઇટર જેટની ક્ષમતાઓનું પ્રદર્શન કરી રહ્યું હતું, જેની નિકાસની શક્યતાઓ પણ જોવામાં આવી રહી હતી. આ દુર્ઘટના વૈશ્વિક સ્તરે ભારતના સંરક્ષણ પ્રદર્શન માટે એક ફટકો છે.
IAF અને સંરક્ષણ મંત્રાલય દ્વારા ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા પછી જ ક્રેશના સંજોગો અને પાયલોટની સ્થિતિ વિશે સ્પષ્ટ માહિતી મળી શકશે.
