મંગળ પર જવા જેટલી મોટી ઓફર: ટેસ્લાએ મસ્કને આપ્યું અભૂતપૂર્વ વળતર પેકેજ
ટેસ્લા કંપનીએ તેના સીઈઓ એલોન મસ્ક માટે એક અભૂતપૂર્વ વળતર પેકેજ પ્રસ્તાવિત કર્યું છે, જે જો મંજૂર થાય તો મસ્કને વિશ્વના પ્રથમ ટ્રિલિયનર બનાવી શકે છે. આ પ્રસ્તાવ નવેમ્બરમાં શેરધારકોની મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. આ પેકેજની શરત એ છે કે મસ્કે આગામી 10 વર્ષમાં ટેસ્લાનું મૂલ્યાંકન $1 ટ્રિલિયન સુધી પહોંચાડવું પડશે.
આ સમાચાર સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાનો વિષય બન્યા છે. કેટલાક યુઝર્સ આ ઓફરને મસ્કની મહત્વાકાંક્ષા સાથે જોડી રહ્યા છે અને કટાક્ષમાં પૂછી રહ્યા છે કે શું તેઓ મંગળ પર જવા માટે આ પૈસાનો ઉપયોગ કરશે. અન્ય કેટલાક લોકોએ આર્થિક અસમાનતા પર ટિપ્પણી કરતા કહ્યું કે કેવી રીતે ધનવાનો વધુ ધનવાન બને છે, જ્યારે કર્મચારીઓ અને નાના રોકાણકારોને નુકસાન થાય છે. કેટલાક યુઝર્સે આ પેકેજને કેટલાક દેશોના GDP કરતાં પણ મોટું ગણાવીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
ટેસ્લાનું લક્ષ્ય અને પેકેજની શરતો
રોઇટર્સના અહેવાલ મુજબ, આ પેકેજ હેઠળ જો ટેસ્લાનું બજાર મૂલ્ય $8.6 ટ્રિલિયન સુધી પહોંચે છે, તો મસ્કને કંપનીના 12% શેર અથવા લગભગ $1.03 ટ્રિલિયન મળશે. આનો સીધો અર્થ એ છે કે ટેસ્લાએ આગામી દસ વર્ષમાં તેના મૂલ્યમાં $7.5 ટ્રિલિયનનો વધારો કરવો પડશે, જે એક અત્યંત મહત્વાકાંક્ષી લક્ષ્ય છે.
ન્યૂયોર્ક સ્થિત 50 પાર્ક ઇન્વેસ્ટમેન્ટ્સના સીઈઓ એડમ સરહાને આ પેકેજને અસાધારણ ગણાવ્યું છે. બોસ્ટન કોલેજ લો સ્કૂલના પ્રોફેસર બ્રાયન ક્વિને આ પેકેજ અંગે ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે, પરંતુ તેમણે એમ પણ જણાવ્યું છે કે મસ્કે આવા પ્રશ્નોથી બચવા માટે કંપનીનું કાયદાકીય સરનામું ડેલાવેરથી ટેક્સાસ ખસેડ્યું છે. આ નિર્ણય મસ્કની કમાણી અને વ્યૂહરચનાને કાયદેસરતા આપવા માટેનો એક પ્રયાસ હોઈ શકે છે.