લખનઉના ડૉક્ટર ભાઈ-બહેન શાહીન અને પરવેઝ કેવી રીતે થયા રેડિકલાઇઝ? તપાસમાં ખૂલ્યું એક-એક રહસ્ય
પોલીસ સૂત્રોનું કહેવું છે કે ડૉક્ટર પરવેઝના ઘરેથી મળેલા મોબાઇલ ફોન અને લૅપટૉપની પ્રાથમિક તપાસ પરથી જાણવા મળે છે કે તે જે પણ કૉલ કરતો હતો અથવા મેસેજ મોકલતો હતો, તેને તરત જ ડિલીટ કરી દેતો હતો.

ડૉક્ટર પરવેઝ અને શાહીન શાહિદ
વ્હાઇટ કૉલર ટેરર નેટવર્કનો પર્દાફાશ થયા પછી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ ડૉક્ટર ભાઈ-બહેન શાહીન શાહિદ અને પરવેઝને લઈને મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ડૉક્ટર શાહીન અને ડૉક્ટર પરવેઝે શરૂઆતમાં ઑનલાઇન માધ્યમથી એવા વીડિયો જોયા હતા જે જિહાદ વિશે જણાવતા હતા. ધીમે ધીમે આ વીડિયોની એટલી અસર થઈ કે તેઓ સેલ્ફ-રેડિકલાઇઝ થઈ ગયા. બાદમાં આ ભાઈ-બહેન ડૉક્ટર મુઝમ્મિલના સંપર્કમાં આવ્યા અને મોટા આતંકવાદી મૉડ્યુલનો ભાગ બની ગયા. પોલીસ સૂત્રોનું કહેવું છે કે ડૉક્ટર પરવેઝના ઘરેથી મળેલા મોબાઇલ ફોન અને લૅપટૉપની પ્રાથમિક તપાસ પરથી જાણવા મળે છે કે તે જે પણ કૉલ કરતો હતો અથવા મેસેજ મોકલતો હતો, તેને તરત જ ડિલીટ કરી દેતો હતો.

ડિલીટ કરેલો ડેટા રિકવર કરવાની પ્રક્રિયા શરૂ
તપાસ એજન્સીઓને ડૉક્ટર પરવેઝના ઘરેથી 10 મોબાઇલ ફોન, એક ટૅબ્લેટ, એક લૅપટૉપ અને હાર્ડ ડિસ્ક મળી છે. જણાવી દઈએ કે લૅપટૉપ, ટૅબ્લેટ અને હાર્ડ ડિસ્કને ફૉરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. પરવેઝ દ્વારા ડિલીટ કરવામાં આવેલા ડેટાને રિકવર કરવામાં આવી રહ્યો છે. જે મોબાઇલ મળ્યા છે તેમાં કીપૅડ ફોન અને સ્માર્ટફોન બંને છે. મોબાઇલમાં જે સિમ લાગેલા છે તે અલગ-અલગ નામ અને સરનામા પર છે. હવે આ મોબાઇલ નંબરની કૉલ ડિટેલ્સ પણ તપાસવામાં આવી રહી છે.

