સાઉથ આફ્રિકામાં યોજાનારી G-20 સમિટનો અમેરિકા કરશે બહિષ્કાર, ડોનાલ્ડ ટ્રમ્પે કારણ પણ જણાવ્યું
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા સાઉથ આફ્રિકામાં યોજાનારી G-20 સમિટનો બહિષ્કાર કરશે. ટ્રમ્પે તેનું કારણ જણાવતા કહ્યું કે સાઉથ આફ્રિકામાં શ્વેત ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે. સાઉથ આફ્રિકાએ આ આરોપોને ખોટા ગણાવ્યા અને ટ્રમ્પની ટિપ્પણીઓ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે આ વર્ષે સાઉથ આફ્રિકામાં યોજાનારા ગ્રુપ ઑફ 20 (G-20) સમિટમાં અમેરિકા તરફથી કોઈ સરકારી અધિકારી જશે નહીં. તેમણે પોતાના આ નિર્ણયનું મુખ્ય કારણ સાઉથ આફ્રિકામાં શ્વેત ખેડૂતો સાથેના વર્તનને જણાવ્યું. ટ્રમ્પે પહેલેથી જ કહી દીધું હતું કે તેઓ પોતે આ વાર્ષિક સમિટમાં નહીં જાય, જ્યાં દુનિયાની મોટી અને ઉભરતી અર્થવ્યવસ્થાઓના રાષ્ટ્રાધ્યક્ષો ભેગા થાય છે. તેમની જગ્યાએ સમિટમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ જવાના હતા, પરંતુ વેન્સની યોજનાથી પરિચિત એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે હવે વેન્સ પણ સાઉથ આફ્રિકાની યાત્રા નહીં કરે.

ટ્રમ્પે સાઉથ આફ્રિકાની સરકારને ઘેરી
ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા સાઇટ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું, ‘આ સંપૂર્ણપણે શરમજનક વાત છે કે G20નું આયોજન દક્ષિણ આફ્રિકામાં થઈ રહ્યું છે.’ પોતાના પોસ્ટમાં ટ્રમ્પે આફ્રિકેનર (શ્વેત ખેડૂત સમુદાય) પર થઈ રહેલા અત્યાચારનો ઉલ્લેખ કર્યો, જેમાં હિંસા, મૃત્યુ અને તેમની જમીન તથા ખેતરોની જપ્તી સામેલ છે. ટ્રમ્પ વહીવટીતંત્ર લાંબા સમયથી દક્ષિણ આફ્રિકી સરકાર પર આરોપ લગાવતું રહ્યું છે કે તે લઘુમતી શ્વેત આફ્રિકેનર ખેડૂતોને સતાવવા અને તેમના પર હુમલાઓની પરવાનગી આપી રહી છે. અમેરિકાએ દર વર્ષે આવતા શરણાર્થીઓની સંખ્યાને 7500 સુધી સીમિત કરી દીધી છે અને કહ્યું છે કે તેમાં મોટાભાગના શ્વેત દક્ષિણ આફ્રિકી હશે, જેમને પોતાના દેશમાં ભેદભાવ અને હિંસાનો સામનો કરવો પડી રહ્યો છે.
આરોપોથી આશ્ચર્યચકિત છે સાઉથ આફ્રિકાની સરકાર
વળી, દક્ષિણ આફ્રિકાની સરકાર આ આરોપોથી આશ્ચર્યચકિત છે. તેનું કહેવું છે કે શ્વેત લોકો દેશમાં સામાન્ય રીતે અશ્વેત નિવાસીઓ કરતાં ઘણું સારું જીવન જીવે છે, ભલે રંગભેદ વ્યવસ્થાને સમાપ્ત થયાને 30 વર્ષથી વધુ સમય થઈ ગયો હોય. દેશના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ કહ્યું છે કે તેમણે ટ્રમ્પને જણાવ્યું કે આફ્રિકેનરો પર ભેદભાવ અને અત્યાચારના સમાચાર ‘સંપૂર્ણપણે ખોટા છે.’

આ અઠવાડિયે મિયામીમાં એક ભાષણ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે દક્ષિણ આફ્રિકાને G20માંથી બહાર ફેંકી દેવું જોઈએ. આ વર્ષની શરૂઆતમાં વિદેશ મંત્રી માર્કો રુબિયોએ વિદેશ મંત્રીઓની G20 મીટિંગનો બહિષ્કાર કર્યો હતો, કારણ કે તેનો એજન્ડા વિવિધતા, સમાવેશ અને આબોહવા પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ)ના મુદ્દાઓ પર કેન્દ્રિત હતો.
