દેશમાં 358 અબજપતિ, અમીરોની યાદીમાં શાહરૂખ ખાન પણ સામેલ, જાણો સૌથી ધનિક મહિલા કોણ?
ભારતની સૌથી ધનિક હસ્તીઓની રિચ લિસ્ટ 2025 બહાર પાડવામાં આવી છે. આ યાદી દેશના ટોચના ધનકુબેરો અને નવા ઉદ્યોગપતિઓની સફળતા દર્શાવે છે. આ વર્ષે ભારતમાં અબજપતિઓની સંખ્યા વધીને 358 થઈ છે, જે અત્યાર સુધીનો એક રેકોર્ડ છે.
મુકેશ અંબાણી ફરી પ્રથમ સ્થાને; રોશની નાદર મલ્હોત્રા બન્યા સૌથી ધનિક મહિલા
- મુકેશ અંબાણી (68 વર્ષ) અને તેમનો પરિવાર ₹9.55 લાખ કરોડ (105 અબજ ડૉલર)ની સંપત્તિ સાથે ફરીથી ઇન્ડિયા રિચ લિસ્ટ 2025માં પ્રથમ સ્થાન પર છે.
- ગૌતમ અદાણી (63 વર્ષ) અને તેમનો પરિવાર ₹8.15 લાખ કરોડની સંપત્તિ સાથે બીજા સ્થાને છે.
- રોશની નાદર મલ્હોત્રા (44 વર્ષ)એ ઇતિહાસ રચતા પહેલીવાર ટોપ-3માં સ્થાન બનાવ્યું છે. ₹2.84 લાખ કરોડની સંપત્તિ સાથે તેઓ ભારતની સૌથી ધનિક મહિલા બન્યા છે અને ટોપ-10માં સૌથી યુવા સભ્ય પણ છે.
નવા અને યુવા ધનકુબેરો
બોલિવૂડના કિંગ ખાન, શાહરૂખ ખાન (59 વર્ષ), ₹12,490 કરોડની સંપત્તિ સાથે પહેલીવાર અબજપતિઓની યાદીમાં સામેલ થયા છે.
ચેન્નઈના અરવિંદ શ્રીનિવાસ (31 વર્ષ), જેઓ AI સ્ટાર્ટઅપ Perplexityના સ્થાપક છે, ₹21,190 કરોડની સંપત્તિ સાથે સૌથી યુવા અબજપતિ બન્યા.
Zeptoના સહ-સ્થાપક કૈવલ્ય વોહરા (22 વર્ષ) આ યાદીમાં સૌથી યુવા છે, જેમણે ₹5.9 અબજ ડૉલરના મૂલ્યવાળી કંપનીમાં સ્થાન મેળવ્યું છે, અને તેમના સહયોગી આદિત પાલીચા બીજા યુવા અબજપતિ છે.
નીરજ બજાજ (70 વર્ષ) અને તેમના પરિવારે તેમની સંપત્તિ 43% વધારીને ₹2.33 લાખ કરોડ કરી છે અને યાદીમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું છે.
પેટીએમના સ્થાપક વિજય શેખર શર્મા (46 વર્ષ) ફરીથી અબજપતિ બન્યા છે.
સૂચિના મુખ્ય આંકડા
- આ વખતે ₹1,000 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા 1,687 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 284 નવા નામ છે.
- સૂચિમાં સામેલ લોકોએ સરેરાશ દરરોજ ₹1,991 કરોડની સંપત્તિ મેળવી છે.
- મુંબઈમાંથી સૌથી વધુ 451 લોકો આ સૂચિમાં સામેલ છે, ત્યારબાદ દિલ્હી (223) અને બેંગલુરુ (116)નો ક્રમ આવે છે.
- આ યાદીમાં 101 મહિલાઓ પણ છે, જેમાં 26 ડૉલર અબજપતિ છે.
- સૂચિમાં 66% લોકો સ્વ-નિર્મિત (self-made) છે.
ભારતીય અર્થતંત્રનું ચિત્ર
ભારતના ધનિકોની કુલ સંપત્તિ ₹167 લાખ કરોડ સુધી પહોંચી છે. ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટોમોબાઇલ, જ્વેલરી અને રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોએ મહત્વનું યોગદાન આપ્યું છે. હવે ભારતમાં 358 ડૉલર અબજપતિ છે, જેઓ GDPના લગભગ અડધા ભાગ જેટલી સંપત્તિ ધરાવે છે.
એમ3એમ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025 એ દર્શાવે છે કે ભારત માત્ર પરંપરાગત ઉદ્યોગોમાં જ નહીં, પણ સ્ટાર્ટઅપ્સ, ટેકનોલોજી અને બાયોટેકમાં પણ વૈશ્વિક સ્તરે સંપત્તિનું ઝડપી સર્જન કરી રહ્યું છે. દુનિયાના કેનવાસ પર ભારતના અમીરોની સંખ્યા નવા ભારતની ઉડાન ગાથા લખી રહી છે.