યુક્રેનમાં નિર્દોષોના મોત અસ્વીકાર્ય: યુએનમાં ભારતનો સ્પષ્ટ સંદેશ
યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ભારતે સંયુક્ત રાષ્ટ્ર (UN) મંચ પર પોતાની ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ભારતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે યુક્રેનમાં નિર્દોષ લોકોના જીવ ગુમાવવા એ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને આ સંઘર્ષનો વહેલો અંત લાવવો એ દરેકના હિતમાં છે. ભારતે યુદ્ધના મેદાનમાંથી કોઈ ઉકેલ નહીં નીકળતો હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.
યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ, પાર્વત્નેની હરીશ, દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારત યુક્રેનની પરિસ્થિતિ અંગે સતત ચિંતિત છે. અમારું માનવું છે કે નિર્દોષ લોકોના જીવ ગુમાવવા અસ્વીકાર્ય છે અને યુદ્ધના મેદાનમાંથી કોઈ ઉકેલ આવી શકતો નથી. તેથી, યુક્રેન સંઘર્ષનો અંત દરેકના હિતમાં છે.”
સંવાદ અને રાજદ્વારી શાંતિનો માર્ગ
પાર્વત્નેનીએ ભારતના પરંપરાગત અભિગમને પુનરાવર્તિત કરતાં કહ્યું કે, વાતચીત અને રાજદ્વારી માર્ગ એ જ યુક્રેન સંઘર્ષનો અંત લાવવાનો એકમાત્ર રસ્તો છે, ભલે તે ગમે તેટલો મુશ્કેલ કેમ ન હોય. તેમણે સ્થાયી શાંતિ માટે તમામ પક્ષોની પ્રતિબદ્ધતા અને ભાગીદારી પર ભાર મૂક્યો હતો.
ભારતે તાજેતરના સમયમાં થયેલી શાંતિપૂર્ણ પહેલોને પણ આવકારી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં થયેલ શિખર સંમેલન અને ત્યારબાદ યુક્રેનિયન રાષ્ટ્રપતિ તથા યુરોપિયન નેતાઓ સાથે થયેલી રાજદ્વારી વાટાઘાટોને પણ ભારતે મહત્વપૂર્ણ ગણાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન સંઘર્ષની પરિસ્થિતિ પર રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિઓ તેમજ અન્ય યુરોપિયન નેતાઓ સાથે સતત સંપર્કમાં છે. ભારતીય પ્રતિનિધિએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ તમામ રાજદ્વારી પ્રયાસો સંઘર્ષને સમાપ્ત કરવામાં અને કાયમી શાંતિ સ્થાપવામાં મદદરૂપ થશે.
વૈશ્વિક દક્ષિણ પર અસર અને ભારતનો માનવતાવાદી અભિગમ
ભારતે યુક્રેન સંઘર્ષના પ્રતિકૂળ પરિણામો, ખાસ કરીને ઇંધણના ભાવમાં વધારો, સમગ્ર વિશ્વ અને ખાસ કરીને ગ્લોબલ સાઉથ (Global South) ના દેશો પર પડી રહેલી અસર અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે આ દેશોનો અવાજ સાંભળવો અને તેમની ચિંતાઓને ગંભીરતાથી લેવી જરૂરી છે.
ભારતે જણાવ્યું કે યુક્રેન સંઘર્ષ પ્રત્યે ભારતનો અભિગમ લોક-કેન્દ્રિત રહ્યો છે. ભારતે યુક્રેનને માનવતાવાદી સહાય પૂરી પાડી છે અને ગ્લોબલ સાઉથમાં પોતાના મિત્રો તથા ભાગીદારોને, જેમાં આર્થિક સંકટનો સામનો કરી રહેલા પડોશીઓ પણ સામેલ છે, તેમને આર્થિક સહાય પણ આપી છે.
આખરે, ભારતે વડાપ્રધાન મોદીના શબ્દોને યાદ કરતાં કહ્યું, “આ યુદ્ધનો યુગ નથી.” અને યુક્રેનમાં સંઘર્ષનો વહેલાસર અંત આપણા સૌના હિતમાં છે.