“સલમાન ખાન સાથે કામ કરનારાઓનું…” ટાઇગર શ્રોફ પર હુમલાની જવાબદારી અંગે મોટો દાવો
બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલા જીવલેણ હુમલા અને ગોળીબારના કેસમાં મુંબઈ પોલીસના હાથ એક બહુ મોટો અને મહત્વનો પુરાવો લાગ્યો છે. પોલીસની ૧૫ થી વધુ ટીમો અને ક્રાઈમ બ્રાન્ચ આ હાઈ-પ્રોફાઈલ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ દરમિયાન પોલીસે હુમલાખોરોની પલ્સર બાઇક જપ્ત કરી લીધી છે અને સાથે જ બંને આરોપીઓની તસવીરો પણ સામે આવી ગઈ છે, જેનાથી પોલીસની તપાસને એક નવી દિશા મળી છે.

પલ્સર બાઇક છોડીને લોકલ ટ્રેનથી ભાગ્યા હુમલાખોરો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ટાઈગર શ્રોફની કાર પર ગોળીબાર કર્યા બાદ હુમલાખોરોએ ખૂબ જ આયોજનબદ્ધ રીતે ત્યાંથી પલાયન કર્યું હતું. હુમલા પછી, તેઓ વિલે પાર્લે રેલવે સ્ટેશન પાસે તેમનું પલ્સર મોટરસાયકલ છોડીને લોકલ ટ્રેનમાં બેસીને શહેરની બહાર ભાગી ગયા હતા.
મુંબઈ પોલીસે જ્યારે આ બાઇકની તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે તે એક સેકન્ડ-હેન્ડ મોટરસાઇકલ હતી, જેનો ઉપયોગ આરોપીઓએ આ કાવત્રા હેઠળ કર્યો હતો. પોલીસ હવે રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે જેથી એ જાણી શકાય કે તેઓ ટ્રેનમાંથી ઉતરીને કઈ દિશામાં ગયા છે.
ડ્રાઇવરનું નિવેદન નોંધાયું, ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
આ સમગ્ર ઘટના અંગે જુહુ પોલીસ સ્ટેશને અભિનેતા ટાઇગર શ્રોફના ડ્રાઇવર ફિરદોસનું હોસ્પિટલમાં નિવેદન નોંધી લીધું છે. પોલીસના જણાવ્યા મુજબ, ત્રણ અજાણ્યા હુમલાખોરોએ કાર પર તાબડતોબ ગોળીઓ ચલાવી હતી. આ ગોળીબારમાં ડ્રાઇવર સહિત બે લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
જુહુ પોલીસે ટાઈગર શ્રોફ પર થયેલા ગોળીબારના મામલે અજાણ્યા હુમલાખોરો સામે ગંભીર કાયદાકીય કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૧૦૯(૧) અને ૩(૫) તેમજ આર્મ્સ એક્ટ (શસ્ત્ર અધિનિયમ) હેઠળ દાખલ કરવામાં આવ્યો છે.
જેકી શ્રોફનું નિવેદન અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મુલાકાત
આ અચાનક થયેલા હુમલાને કારણે સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે અને ચાહકો ટાઈગરની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છે. જોકે, ટાઈગરના પિતા અને પીઢ અભિનેતા જેકી શ્રોફની ટીમે એક રાહતજનક સમાચાર આપ્યા છે: ટાઈગર સંપૂર્ણપણે સુરક્ષિત અને ઠીક છે.

ઘટનાની ગંભીરતાને જોતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ખુદ ટાઇગર શ્રોફના ઘરે તેમની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમની તબિયતની પૂછપરછ કરી હતી. ડેપ્યુટી સીએમે આ કાયરતાપૂર્ણ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરતા કહ્યું કે મુંબઈ પોલીસે આ મા Aને અત્યંત ગંભીરતાથી લીધો છે. તેમણે ભરોસો અપાવ્યો કે પોલીસ કમિશનરના નેતૃત્વમાં ક્રાઈમ બ્રાન્ચની ૧૫ વિશેષ ટીમો આરોપીઓની શોધખોળ કરી રહી છે અને દોષિતોને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલીને કડક કાર્યવાહી કરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
ગયા રવિવારે (૧૮ ઓક્ટોબર ૨૦૨૬) ની સાંજે ટાઇગર શ્રોફ ફૂટબોલ રમીને પોતાની કારથી પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. રસ્તામાં તેઓ કારની બારીમાંથી પોતાના ચાહકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા, ત્યારે જ અચાનક બાઇક સવાર અજાણ્યા હુમલાખોરોએ તેમની કાર પર બેક-ટુ-બેક અનેક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું.
આ હુમલામાં કારના કાચ તૂટી ગયા હતા. જોકે રાહતની વાત એ રહી કે ટાઇગર શ્રોફને સીધી ગોળી વાગી નહોતી, પરંતુ કાચના ટુકડા વાગવાથી તેમના જમણા હાથમાં સામાન્ય ઈજા અને ખરોચ આવી છે. જ્યારે, ડ્રાઇવર ફિરદોસ આ ગોળીબારમાં ઘાયલ થયા છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર શંકાની સોય
બોલિવૂડ સ્ટાર્સ પર ગોળીબારનો આ કોઈ પહેલો મામલો નથી. અગાઉ પણ ઘણા એવા સિતારા રહ્યા છે જેને અચાનક નિશાન બનાવવામાં આવ્યા છે. અગાઉ સલમાન ખાનના ગેલેક્સી અપાર્ટમેન્ટ પર ગોળીબારનો મામલો સામે આવ્યો હતો. આ દરમિયાન પણ બિશ્નોઈ ગેંગે તેની જવાબદારી લીધી હતી. હવે અચાનક ટાઇગર શ્રોફની કારને નિશાન બનાવવામાં આવી છે અને તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તેની જવાબદારી પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગુનેગારો (અનિલ પંડિત અને હરમન સિંધુ) દ્વારા લેવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને ધમકી આપવામાં આવી છે કે સલમાન ખાન સાથે કામ કરનારાઓનું આવું જ હાલ થશે. જોકે, પોલીસે હજુ આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરવાની બાકી છે અને સત્ય બહાર લાવવા તપાસ કરી રહી છે.