Tithal Road Public Toilet વલસાડના મુખ્ય રહેણાક વિસ્તાર એવા તિથલ રોડ પર કોલેજ જવાના રસ્તા પાસે વલસાડ નગરપાલિકા સંચાલિત જાહેર શૌચાલયની દારુણ સ્થિતિ
Tithal Road Public Toilet શહેર જેમ મોટું અને વ્યસ્ત બનતું જાય તેમ માળખાગત સુવિધામાં વધારો કરતાં રહેવું એ દરેક સુધરાઈની ફરજ છે. જ્યાં ત્યાં પેશાબ કરવા ઊભા રહી જતાં લોકો થકી આપણા દેશની છબીને દાયકાઓથી દુનિયાભરમાં નબળી ચીતરતાં આવ્યાં છે. આનાથી અરુચિકર દ્શ્યો, ગંદકી અને રોગચાળા – ચેપની સમસ્યાઓથી સૌ કોઈ પરેશાન છે.
આ સમસ્યાના સમાધાન તરીકે જાહેર પેશાબઘર અને શૌચાલયો શહેરમાં દરેક વ્યસ્ત વિસ્તારમાં હોય તે આધુનિક શહેરોની એક પાયારૂપ જરૂરિયાત છે.
જોકે, વલસાડમાં સ્થિતિ જુદી છે. વધતી જતી વસ્તી અને ગીચતા સામે જાહેર પેશાબઘર અને શૌચાલયની સુવિધા વધારવાને બદલે જે એકલદોકલ જાહેર સુવિધા અગાઉ બનાવવામાં આવી હતી તેની હાલત ખંડેર થઈ ગઈ છે.
તેનો ઉપયોગ થયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે. તેની અંદર ઝાડી-ઝાંખરા નહિ પરંતુ વડ-પીપળા જેવા વૃક્ષો ઊગી નીકળ્યા છે. લોકો તેની આસપાસ ખુલ્લામાં ગંદકી ફેલાવતા હોય તો એમાં નવાઈ શું.
આ સ્થળે અનેક રીક્ષાવાળા, ફેરિયાઓ, કોલેજના વિદ્યાર્થીઓ, આસપાસની દુકાનોના કર્મચારીઓ અને ગ્રાહકો, આસપાસના બહુમાળી રહેણાંક વિસ્તારોમાં ઘરકામ કરવા આવનારી મહિલાઓ સહિત સેંકડો લોકોને આ સુવિધાથી દરરોજ મોટી રાહત મળી શકે તેમ છે. જોકે, જ્યારે સ્થાનિક સ્વચ્છતા, આરોગ્ય અને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે વેરો ઠપકારતી પરંતુ સુવિધાઓ પૂરી પાડવામાં કુંભકર્ણને ટક્કર આપતી સુધરાઈ હોય તો પછી આશા જ શું રાખવી?