ગાંધીનગરમાં યોજાઈ બેઠક, આદિજાતિ નેતાઓની વિશિષ્ટ ઉપસ્થિતિ
ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદિજાતિ વિભાગની વિશિષ્ટ બેઠક યોજાઈ. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા તુષાર ચૌધરી અને અન્ય આગેવાનોએ હાજરી આપી. આ બેઠકમાં આદિવાસી સમુદાયના હકો અને પડતર મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી.
પાણી, જંગલ અને જમીનના હકો પર ભાર, શિક્ષણ-રોજગારીને લગતી માંગણીઓ
બેઠકમાં જણાવાયું કે આદિવાસી સમુદાયે પોતાની જ જમીન, જંગલ અને પાણીના હકો માટે હજુ પણ લડવું પડે છે. ખોટા પ્રમાણપત્રો, ‘વનવાસી’ શબ્દના ઉપયોગ, શિક્ષણની સુવિધાઓના અભાવ અને રોજગારીના વિકલ્પોની અછત જેવી અનેક સમસ્યાઓ આજ પણ યથાવત છે. ફ્રીશીપ કાર્ડની આવક મર્યાદા વધારવા અને વિશ્વ આદિવાસી દિવસને જાહેર રજા બનાવવાની પણ તાકિદ કરવામાં આવી.
ગામડે-ગામે પ્રદર્શન અને 13 સપ્ટેમ્બરે વિશાળ યાત્રાનું આયોજન
કોંગ્રેસે આદિવાસી સમાજના મુદ્દે સમગ્ર રાજ્યમાં ગામ, તાલુકા અને જિલ્લા મથકો પર પ્રદર્શન કરવાની વ્યૂહરચના ઘડી છે. ખાસ કરીને 13 સપ્ટેમ્બર, 2025ના રોજ અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી હકોની રક્ષા માટે વિશાળ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
‘આદિવાસી હકોનું બજેટ ભટકી રહ્યું છે,’ કોંગ્રેસનો આક્ષેપ
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, આદિવાસી વિસ્તારનું બજેટ બીજે ખર્ચ થઈ રહ્યું છે. મનરેગા અને નલ સે જલ જેવી યોજનાઓમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાતો તંગિથી ભોગવવી પડે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તારોમાં પોલીસે આદિવાસી અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે.
વિપક્ષે તાપી-પાર-નર્મદા પ્રોજેક્ટનો ઉઠાવ્યો મુદ્દો
તુષાર ચૌધરીએ તાપી-પાર-નર્મદા પ્રોજેક્ટ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે નવી નોટિફિકેશન મુજબ 10 લાખ લોકો બેઘર થવાની શક્યતા છે. સાથે જ મેડિકલ એડમિશનમાં ફ્રીશીપ કાર્ડ અને મેનેજમેન્ટ ક્વોટા જેવી બાબતો માટે પણ વધુ લડત આપવા કોંગ્રેસ તૈયાર છે.
જનજાગૃતિ અને લડતનો સંકલ્પ
આ બેઠકમાં નિષ્ણાતોએ જણાવ્યું કે આદિવાસી સમાજના હકો માટે જે લડત શરૂ થઈ છે તે હવે ગામડાં સુધી પહોંચાડી જનજાગૃતિ વધારવાની જરૂર છે.