નખત્રાણા હાઇવે પર કલેક્ટરના જાહેરનામાંનો ટ્રકચાલકો દ્વારા ખુલ્લેઆમ ભંગ
નવરાત્રીને હવે ગણતરી ના દિવસો જ બાકી છે ત્યારે પદયાત્રિઓનો પ્રવાહ માતાના મઢ તરફ જવા માટે અત્યારથી જ એટલે કે શ્રાદ્ધપક્ષથી જ શરૂ થઇ ચુક્યો છે. જોકે પદયાત્રિઓને મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને ભારે વાહનો માટે નખત્રાણા હાઇવે બંધ કરીને અન્ય વૈકલ્પિક માર્ગો સુચવ્યા છે, પરંતુ હાલમાં ભારે વાહનોના ચાલકો દ્વારા કલેક્ટરના જાહેરનામાંનો ભંગ કરવામાં આવી રહ્યો છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કચ્છના વિવિધ ગામો
અને રાજ્ય તથા દેશના વિવિધ વિસ્તારોમાંથી આવતા પદયાત્રીઓ માતાના મઢ તરફ્ જઇ રહ્યા છે અને તેમની સંખ્યામાં પમ દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ ખાનગી કંપનીઓ તથા અન્ય ખાનગી તોતિંગ વાહનો હાઇવે ઉપરથી પુરપાટ વેગે પસાર થઈ રહ્યા છે. જે ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જી શકે છે. એક તરફ જિલ્લા કલેક્ટરે આનંદ પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પરંતુ તેની અમલવારી માત્ર કાગળ પર જ થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે.
હાલમાં એક તરફ નખત્રાણા હાઇવે પર જિલ્લા કલેક્ટર દ્વારા તા.૧૮ સપ્ટેમ્બરથી તા. ૨ ઓક્ટોબર સુધી મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જોકે તેમ છતાં ભારે વાહનો પસાર થઇ રહ્યા હોવાથી પદયાત્રીઓની સલામતી સામે સવાલો સર્જાયા છે.
આ ભારે વાહનો ગમે ત્યારે મોટા અકસ્માત સર્જી શકે તેમ છે તેથી સ્થાનિક લોકો દ્વારા જાહેરનામાંની કડક અલવારી કરવામાં આવે તેવી માગ ઉઠી છે. જિલ્લા પોલીસ દ્વારા પણ વિવિધ વળાંકવાળા વિસ્તારોમાં બેરિકેટ લગાવીને ભારે વાહનોને અટકાવવા જોઇએ જેથી કોઇ અકસ્માત ન સર્જાય અને પદયાત્રાળુઓને સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરી શકાય.