ટ્રમ્પનો મોટો ધડાકો: અમેરિકી સંસદને બાયપાસ કરી 4 દેશોને આપશે 81 હજાર કરોડના હથિયારો, ઈરાન સાથેના તણાવ વચ્ચે લેવાયો નિર્ણય
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે. સંસદની લાંબી મંજૂરી પ્રક્રિયાની રાહ જોયા વગર ટ્રમ્પ સરકારે મધ્ય પૂર્વના સાથી દેશોને અબજો ડોલરના અત્યાધુનિક હથિયારો વેચવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય માત્ર સંરક્ષણ સોદો નથી, પરંતુ બદલાતા વૈશ્વિક સમીકરણો અને ઈરાન સાથેના વધતા તણાવનું પરિણામ છે.
‘ઈમરજન્સી’ કહીને સંસદને કરી કિનારે
સામાન્ય રીતે, અમેરિકા જ્યારે કોઈ બીજા દેશને હથિયારો વેચે છે, ત્યારે ત્યાંની સંસદ એટલે કે કોંગ્રેસની સમીક્ષા અને મંજૂરી અનિવાર્ય હોય છે. જોકે, ટ્રમ્પ વહીવટીતંત્રએ આ વખતે ‘આપાતકાલીન સ્થિતિ’ (Emergency) નો હવાલો આપ્યો છે. વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે, વર્તમાન પ્રાદેશિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સોદાઓ તાત્કાલિક પૂર્ણ કરવા જરૂરી છે. આથી, તેમણે સંસદીય સમીક્ષાની જરૂરિયાતને દરકિના કરી દીધી છે અને 8.6 અબજ ડોલર (અંદાજે ₹81,622 કરોડ) ના સોદા પર મહોર મારી દીધી છે.
કોને શું મળશે? સોદાની વિગતવાર માહિતી
આ હથિયાર સોદામાં મુખ્યત્વે ઈઝરાયેલ, કતાર, કુવૈત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) નો સમાવેશ થાય છે. આ દરેક દેશ માટે અલગ-અલગ વ્યૂહાત્મક હથિયારો ફાળવવામાં આવ્યા છે:
કતાર: આ લિસ્ટમાં સૌથી મોટો ફાયદો કતારને થયો છે. કતારને આશરે ₹38,059 કરોડની ‘પેટ્રિઅટ એર અને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ’ પૂરી પાડવામાં આવશે. આ સિવાય તેમને ₹9,417 કરોડની ‘એડવાન્સ્ડ પ્રિસિઝન કિલ વેપન સિસ્ટમ’ (APKWS) પણ મળશે.
કુવૈત: કુવૈતને ₹23,728 કરોડની ‘ઇન્ટિગ્રેટેડ બેટલ કમાન્ડ સિસ્ટમ’ આપવામાં આવશે, જે યુદ્ધના મેદાનમાં સંકલન માટે અત્યંત મહત્વની ગણાય છે.
ઈઝરાયેલ: અમેરિકાના ખાસ સાથી ઈઝરાયેલને ₹9,417 કરોડના ખર્ચે APKWS હથિયારો આપવામાં આવશે.
UAE: સંયુક્ત આરબ અમીરાતને પણ ₹1,401 કરોડના મૂલ્યની સમાન વેપન સિસ્ટમની મંજૂરી મળી છે.
આ હથિયારોની સપ્લાય માટે અમેરિકાની ટોચની સંરક્ષણ કંપનીઓ જેવી કે લોકહીડ માર્ટિન, રેથિયોન (RTX) અને નોર્થરોપ ગ્રુમેન કાર્યરત થશે.
ઈરાન સાથેનો સંઘર્ષ અને યુદ્ધની સ્થિતિ
ટ્રમ્પ સરકારનો આ નિર્ણય અચાનક નથી આવ્યો. તેની પાછળ ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલો અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો ગંભીર સંઘર્ષ જવાબદાર છે. 28 ફેબ્રુઆરીએ જ્યારે અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કર્યો, ત્યારે અખાતી દેશોમાં સ્થિતિ વણસી હતી. વળતા પ્રહારમાં ઈરાને પણ ઈઝરાયેલ અને ખાડી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા.
આ સંઘર્ષમાં અત્યાર સુધી હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે. આવી તણાવપૂર્ણ સ્થિતિમાં પોતાના સાથી દેશોની રક્ષા ક્ષમતા વધારવી અમેરિકા માટે અનિવાર્ય બની ગયું છે. ટ્રમ્પનું માનવું છે કે જો સાથી દેશો મજબૂત હશે, તો જ ઈરાનના પ્રભાવને રોકી શકાશે.
માનવાધિકાર સંગઠનોનો વિરોધ અને વિવાદ
ભલે અમેરિકા આ સોદાને સુરક્ષા માટે જરૂરી ગણાવતું હોય, પરંતુ માનવાધિકાર સંગઠનો આ નિર્ણયની આકરી ટીકા કરી રહ્યા છે. કતાર, કુવૈત અને UAE જેવા દેશોમાં માનવાધિકારોની સ્થિતિ, પત્રકારો પરના દમન અને લઘુમતીઓના અધિકારોને લઈને સતત સવાલો ઉઠતા રહ્યા છે.
ટીકાકારોનું કહેવું છે કે આવા દેશોને અત્યાધુનિક હથિયારો આપવાથી આ પ્રદેશમાં દમનનું પ્રમાણ વધી શકે છે. બીજી તરફ, ઈઝરાયેલને જે રીતે બિનશરતી સમર્થન મળી રહ્યું છે, તેની સામે પણ વિશ્વના અનેક હિસ્સાઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જોકે, ટ્રમ્પ પ્રશાસનનું સ્પષ્ટ વલણ છે કે ‘રાષ્ટ્રીય હિત’ અને ‘પ્રાદેશિક સુરક્ષા’ તેમના માટે સર્વોપરી છે.
શું છે આ હથિયાર સોદાના દૂરગામી પરિણામો?
આ નિર્ણયથી મધ્ય પૂર્વમાં હથિયારોની હોડ (Arms Race) તેજ બનશે એ નક્કી છે. અમેરિકાના આ પગલાથી રશિયા અને ચીન જેવા દેશો પણ આ ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયાસો કરી શકે છે.

