ડોનાલ્ડ ટ્રમ્પે ફરી કર્યો દાવો, કહ્યું – “મેં ટેરિફની ધમકી આપીને ભારત-પાકિસ્તાન યુદ્ધ રોક્યું”
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને રોકી દીધું હતું. ટ્રમ્પે જણાવ્યું કે મે મહિનામાં જ્યારે બંને દેશો વચ્ચે સૈન્ય સંઘર્ષની સ્થિતિ હતી, ત્યારે તેમણે વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કર્યો હતો અને યુદ્ધવિરામ માટે વેપાર કરારો અને ભારે ટેરિફની ધમકીનો ઉપયોગ કર્યો હતો.
ટ્રમ્પે શું કહ્યું?
ટ્રમ્પે આ દાવો કરતા જણાવ્યું કે, “મેં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી. મેં તેમને પૂછ્યું કે તમારી અને પાકિસ્તાન વચ્ચે શું ચાલી રહ્યું છે. પછી મેં પાકિસ્તાન સાથે વાત કરી. મેં તેમને પૂછ્યું કે તમારી અને ભારત વચ્ચે શું ચાલી રહ્યું છે? નફરત જબરદસ્ત હતી. તે ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે.”
#WATCH | "…I am talking to a very terrific man, Prime Minister of India, Narendra Modi. I said what's going on with you and Pakistan. Then I am talking to Pakistan about trade. I said what's going on with you and India? The hatred was tremendous. This has been going on for a… pic.twitter.com/gJVOTmKjXN
— ANI (@ANI) August 27, 2025
ટ્રમ્પે આગળ કહ્યું, “મેં તેમને કહ્યું, હું તમારી સાથે વેપાર સોદો કરવા માંગતો નથી. તમે લોકો પરમાણુ યુદ્ધમાં ઉતરશો. મેં કહ્યું, કાલે મને ફરીથી ફોન કરો, પણ અમે તમારી સાથે કોઈ સોદો નહીં કરીએ. અમે તમારા પર એટલા બધા ટેરિફ લગાવીશું કે તમારું માથું ફરશે. લગભગ 5 કલાકમાં, તે થઈ ગયું.” ટ્રમ્પે એમ પણ કહ્યું કે જો ભવિષ્યમાં ફરીથી આવી પરિસ્થિતિ ઊભી થશે, તો તેઓ તેને રોકશે.
ભારતનું સ્પષ્ટ વલણ
જોકે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે વારંવાર આવો દાવો કરતા રહે, પરંતુ ભારતે આ બાબતે પોતાનું વલણ હંમેશા સ્પષ્ટ રાખ્યું છે. ભારતે જણાવ્યું છે કે બંને દેશોના ડીજીએમઓ (ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ) વચ્ચે સીધી વાતચીત થયા બાદ જ ભારતે ઓપરેશન સિંદૂર મુલતવી રાખ્યું હતું. ટ્રમ્પે અત્યાર સુધીમાં 30થી વધુ વખત આ દાવો પુનરાવર્તિત કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો હતો.