અમેરિકાના પૂર્વ NSAએ ખોલ્યું ટ્રમ્પનું રહસ્ય, કહ્યું- પરિવારના ફાયદા માટે બગાડ્યા ભારત-અમેરિકા સંબંધો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જેક સુલિવને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ લગાવ્યો છે કે તેમણે ભારતના અમેરિકા સાથેના મજબૂત સંબંધોને જોખમમાં મૂક્યા જેથી પાકિસ્તાનમાં પોતાના પરિવારના વ્યાપારિક સોદાઓને પ્રોત્સાહન આપી શકે.
સુલિવન અનુસાર, ટ્રમ્પ પરિવાર પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલ (PCC) સાથે જોડાયેલો છે. જેના કારણે ભારત સાથેના અમેરિકાના સંબંધો પ્રભાવિત થયા અને અમેરિકી હિતોને પણ નુકસાન પહોંચ્યું. એપ્રિલમાં પહેલગામ હુમલાના થોડા દિવસ બાદ વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલએ PCC સાથે એક સમજૂતી કરી, જેનો ઉદ્દેશ્ય પાકિસ્તાનની ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રીમાં રોકાણ અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો હતો.
ટ્રમ્પ પરિવારનો પાકિસ્તાનમાં વ્યાપાર
ટ્રમ્પ પરિવારની ‘DT માર્ક્સ DEFI LLC’ કંપની વર્લ્ડ લિબર્ટીની પેરેન્ટ કંપનીમાં 60% ભાગીદારી ધરાવે છે. આ ઉપરાંત ક્રિપ્ટો કમાણીમાં તેનો 75% હિસ્સો છે. ટ્રમ્પ પોતે ‘ચીફ ક્રિપ્ટો એડવોકેટ’ છે, જ્યારે તેમના પુત્રો એરિક અને ડોનાલ્ડ જુનિયર ‘વેબ 3 એમ્બેસેડર’ છે અને નાના પુત્ર બેરોન ‘DEFI વિઝનરી’ના પદ પર છે.
સુલિવન સહિત ઘણા નિષ્ણાતો માને છે કે ટ્રમ્પનો પાકિસ્તાન તરફ ઝુકાવ આ જ વ્યાપારિક સંબંધને કારણે હતો. વ્હાઇટ હાઉસમાં તેમણે પાકિસ્તાનના સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરનું સ્વાગત કર્યું અને વ્યાપાર, આર્થિક વિકાસ તથા ક્રિપ્ટોકરન્સી પર ચર્ચા કરી.
પાકિસ્તાન સાથે તેલ અને વ્યાપાર સમજૂતી
જુલાઈમાં ટ્રમ્પ પ્રશાસને પાકિસ્તાન સાથે વ્યાપાર સમજૂતીની જાહેરાત કરી. અમેરિકાએ પાકિસ્તાનના વિશાળ તેલ ભંડાર પરિયોજનાઓમાં મદદ કરવાનું વચન આપ્યું. આ પછી ભારતીય વસ્તુઓ પર ટેરિફ 25% થી વધારીને 50% કરી દેવામાં આવ્યો. આ સમજૂતી હેઠળ પાકિસ્તાનને વર્ષના અંત સુધીમાં અમેરિકાથી પહેલો જથ્થો કાચા તેલનો મળવાનો છે.
ભારત-અમેરિકા સંબંધોને થયું નુકસાન
સુલિવને ટ્રમ્પના નિર્ણયને અમેરિકાના વ્યૂહાત્મક હિતો માટે મોટું નુકસાન ગણાવ્યું. તેમનું કહેવું છે કે મજબૂત ભારત-અમેરિકા સંબંધો અમેરિકાના હિતો માટે જરૂરી છે. ભારત સાથેની વર્તમાન સ્થિતિની સીધી અસર માત્ર આપણા મિત્ર દેશો પર જ નહીં, પરંતુ દુનિયાભરમાં તમામ ભાગીદારીઓ પર પડે છે.
આ આરોપે એ સ્પષ્ટ કરી દીધું છે કે ટ્રમ્પ પરિવારના વ્યક્તિગત ફાયદાને કારણે વ્યૂહાત્મક સંબંધો અને વૈશ્વિક રાજનીતિમાં ગંભીર અસર પડી.