ટ્રમ્પે શેહબાઝ શરીફને તેમનું સ્થાન બતાવ્યું: 30 મિનિટ રાહ જોવડાવી, મુલાકાતનો ફોટો પણ શેર ન કરતાં પાક. PM નું અપમાન
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે ગુરુવારે (૨૫ સપ્ટેમ્બર) વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. જોકે, આ દ્વિપક્ષીય બેઠક પહેલા જ શાહબાઝ શરીફને મોટું અપમાન સહન કરવું પડ્યું હતું. ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાનને માત્ર લાંબો સમય રાહ જોવડાવી એટલું જ નહીં, પરંતુ વ્હાઇટ હાઉસે મુલાકાતનો ફોટો પણ જાહેર ન કરતાં પાકિસ્તાનની આ મુલાકાત ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.
ટ્રમ્પ અને શાહબાઝ વચ્ચેની બેઠક ઓવલ ઓફિસમાં યોજાઈ હતી, જેમાં વેપાર સોદાઓ અને પ્રાદેશિક સુરક્ષા સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જોકે, મુલાકાત શરૂ થતાં પહેલાં જ ટ્રમ્પના અસામાન્ય વર્તનને કારણે પાકિસ્તાની નેતૃત્વની વૈશ્વિક સ્તરે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ હતી.
ઓવલ ઓફિસની બહાર ૩૦ મિનિટ રાહ
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, શાહબાઝ અને મુનીર ટ્રમ્પને મળવા માટે ઓવલ ઓફિસ પહોંચી ગયા હતા. સામાન્ય રીતે અમેરિકી રાષ્ટ્રપતિ વિદેશી નેતાઓને વધુ રાહ જોવડાવતા નથી, પરંતુ ટ્રમ્પ આ વખતે અલગ રીતે વર્ત્યા હતા.
જ્યારે પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફ રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ટ્રમ્પ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં અને પછી મીડિયા સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું હતું. ટ્રમ્પે આ બધા કાર્યો પૂર્ણ કરવામાં લગભગ ૩૦ મિનિટનો સમય લીધો હતો. શાહબાઝ અને મુનીરે આ દરમિયાન શાંતિથી ટ્રમ્પની રાહ જોવી પડી હતી. આ ઘટનાને રાજદ્વારી વર્તુળોમાં પાકિસ્તાનના વડાપ્રધાનના જાહેર અપમાન તરીકે જોવામાં આવી રહી છે.
ટ્રમ્પે ફોટો પણ શેર ન કર્યો: બેવડો ફટકો
શાહબાઝ શરીફને ૩૦ મિનિટ રાહ જોવડાવ્યા બાદ વધુ એક અપમાન સહન કરવું પડ્યું.
સામાન્ય પ્રથા મુજબ, જ્યારે પણ અમેરિકી રાષ્ટ્રપતિ કોઈ અગ્રણી વિદેશી નેતા સાથે મળે છે, ત્યારે વ્હાઇટ હાઉસ તે મુલાકાતના ફોટા સત્તાવાર રીતે જાહેર કરે છે અથવા રાષ્ટ્રપતિના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરવામાં આવે છે. જોકે, શાહબાઝ અને મુનીરના કિસ્સામાં આવું બન્યું નહોતું. વ્હાઇટ હાઉસ દ્વારા આ મુલાકાતના કોઈ ફોટા જાહેર કરવામાં આવ્યા ન હતા કે ટ્રમ્પના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ શેર કરવામાં આવ્યા ન હતા.
ડિપ્લોમેસીની દુનિયામાં, કોઈ પણ ફોટોગ્રાફ જાહેર ન કરવો એ સામાન્ય રીતે તે નેતા અથવા દેશને મહત્ત્વ ન આપવાનો સંકેત માનવામાં આવે છે. આનાથી શાહબાઝ અને મુનીરને બેવડો ફટકો પડ્યો, એક તો લાંબો સમય રાહ જોવડાવવામાં આવી અને બીજું તેમની મુલાકાતને નીચી આંકવામાં આવી.
અમેરિકાની શરણ લેવા પાકિસ્તાનની દોડ
આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ‘ઓપરેશન સિંદૂર’ પછી પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલ્લું પડી ગયું છે અને ભારત સાથેના તણાવ બાદ તે અમેરિકામાં રાજદ્વારી સહાય અને આશ્રય મેળવવા માટે પ્રયત્નશીલ છે.
પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરે અગાઉ ટ્રમ્પની મુલાકાત લીધી હતી, ત્યારબાદ પાકિસ્તાની વડા પ્રધાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ટ્રમ્પને મળ્યા હતા, અને હવે બંનેએ આ દ્વિપક્ષીય બેઠક યોજી હતી. પાકિસ્તાન સતત અમેરિકાની નજીક જવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે વ્હાઇટ હાઉસમાં થયેલા આ ‘અપમાન’થી પાકિસ્તાન ડિપ્લોમેસીમાં ક્યાં ઊભું છે તે સ્પષ્ટ થઈ ગયું છે.
આ મુલાકાત દરમિયાન ટ્રમ્પ અને શાહબાઝે વેપાર સોદાઓ અને પ્રાદેશિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, પરંતુ આ ઘટના દર્શાવે છે કે વૈશ્વિક રાજનીતિમાં પાકિસ્તાનનું મહત્ત્વ ઘટી રહ્યું છે.