‘યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર છીએ…’, મધ્ય પૂર્વ જંગ વચ્ચે ટ્રમ્પનો યુ-ટર્ન કે હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવાની નવી ચાલ?
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી રણનીતિએ સૌને ચોંકાવી દીધા છે. ટ્રમ્પે તેમના સહયોગીઓને સંકેત આપ્યો છે કે તેઓ ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર છે – ભલે પછી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Hormuz Strait) બંધ રહે. અહેવાલ મુજબ, ટ્રમ્પ હવે હોર્મુઝ સ્ટ્રેટને બળજબરીથી ખોલાવવાના પક્ષમાં નથી, કારણ કે તે એક લાંબુ અને અત્યંત જોખમી સૈન્ય અભિયાન સાબિત થઈ શકે છે.
નવું લક્ષ્ય: ઈરાનની સૈન્ય શક્તિનો ખાતમો
ટ્રમ્પની આ નવી રણનીતિ પાછળ એક ઊંડો ગણતરીપૂર્વકનો પ્લાન હોવાનું મનાય છે. તેમનું નવું લક્ષ્ય હોર્મુઝ ખોલાવવાને બદલે ઈરાનની નૌકાદળ, મિસાઈલ ભંડાર, સંરક્ષણ ઉદ્યોગ અને હુમલો કરવાની ક્ષમતાને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવાનું છે. અમેરિકા માને છે કે એકવાર ઈરાન સૈન્ય રીતે નબળું પડી જશે, તો તે પોતાની મેળે જ કૂટનીતિના રસ્તે હોર્મુઝ ખોલવા તૈયાર થઈ જશે. ગઈકાલે રાત્રે ઈરાનના ઇસ્ફાનમાં થયેલો ‘બંકર બસ્ટર’ હુમલો આ નવી રણનીતિની શરૂઆત હોવાનું માનવામાં આવે છે.
જવાબદારી હવે યુરોપ અને ખાડી દેશો પર?
જો ઈરાન નમતું જોખવા તૈયાર નહીં થાય, તો હોર્મુઝમાંથી શિપિંગ સેવાઓ પુનઃસ્થાપિત કરવાની સંપૂર્ણ જવાબદારી હવે યુરોપ અને ખાડીના દેશો પર આવી શકે છે. વ્હાઇટ હાઉસનું આ વલણ વિશ્વના અર્થતંત્ર માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે, કારણ કે આ દેશો જ તેલ અને ગેસના સૌથી મોટા લાભાર્થી છે. ટ્રમ્પ ઈચ્છે છે કે તેમના સહયોગી દેશો પોતે આગળ આવીને આ જળમાર્ગને સુરક્ષિત કરે, જેથી અમેરિકા પરનું સૈન્ય અને આર્થિક દબાણ ઓછું થાય.
વૈશ્વિક અર્થતંત્ર પર જોખમ
હોર્મુઝ એ વૈશ્વિક ઉર્જા પુરવઠા માટેનો સૌથી મહત્વનો માર્ગ છે. ટ્રમ્પનો આ દાવ અત્યંત જોખમી છે, કારણ કે જો આ જળમાર્ગ લાંબો સમય બંધ રહેશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો આસમાને પહોંચશે. આ આર્થિક ઝટકો લાંબો ચાલી શકે છે અને તેની અસર ભારત સહિત સમગ્ર વિશ્વના બજાર પર જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે શું ટ્રમ્પની આ ‘વેઇટ એન્ડ વોચ’ નીતિ ઈરાનને ઘૂંટણિયે લાવશે કે પછી વૈશ્વિક અર્થતંત્રમાં મોટી કટોકટી સર્જશે.

