ટ્રમ્પની ઈરાનને આખરી ચેતવણી: “આજે થશે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, કાં તો શરણાગતિ સ્વીકારો અથવા વિનાશ માટે તૈયાર રહો”
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવતા તેને ‘મિડલ ઈસ્ટનો લૂઝર’ (હારનારો દેશ) ગણાવ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે જો ઈરાન બિનશરતી આત્મસમર્પણ નહીં કરે, તો તેના પર આજે જ પ્રચંડ સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સંકેત આપ્યા છે કે હવે એવા વિસ્તારો અને લોકોને પણ નિશાન બનાવવામાં આવશે જે અત્યાર સુધી સુરક્ષિત હતા.
ઈરાન હવે દબંગ દેશ રહ્યો નથી: ટ્રમ્પ
ટ્રમ્પે પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે અમેરિકા અને ઈઝરાયેલના સતત હુમલાઓએ ઈરાનની કમર તોડી નાખી છે. તેમણે કહ્યું, “ઈરાન હવે મધ્ય પૂર્વનો દાદો રહ્યો નથી, પરંતુ તે એક હારનારો દેશ બની ગયો છે. જ્યાં સુધી ત્યાંનું શાસન નબળું નહીં પડે અથવા તે આત્મસમર્પણ નહીં કરે, ત્યાં સુધી તેની હાલત આવી જ રહેશે.”
રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન પર કટાક્ષ
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને તાજેતરમાં પડોશી દેશોની માફી માંગી હતી અને વચન આપ્યું હતું કે જો તેમની ધરતીનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ નહીં થાય, તો ઈરાન તેમના પર હુમલો નહીં કરે. આ અંગે ટ્રમ્પે કટાક્ષ કરતા કહ્યું કે, ઈરાને આ માફી કોઈ પ્રેમથી નથી માંગી, પરંતુ અમેરિકા અને ઈઝરાયેલના બોમ્બમારો અને દબાણને કારણે માંગી છે. હુમલાના ડરથી ઈરાન હવે પડોશી દેશો સામે નમી રહ્યું છે.
વધતો જતો તણાવ અને નવા હુમલા
ઈરાનના રાષ્ટ્રપતિના શાંતિના નિવેદનના કલાકમાં જ સ્થિતિ ફરી વણસી ગઈ હતી. અહેવાલો મુજબ, દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે ડ્રોન પડવાની ઘટના બની છે. આ ઉપરાંત સાઉદી અરેબિયા, બહેરીન અને કતારમાં પણ હુમલાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાઓએ મધ્ય પૂર્વમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે.
યુદ્ધ ક્યારે અટકશે?
હાલમાં આ યુદ્ધ અટકે તેવા કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ટ્રમ્પ પ્રશાસને ઈઝરાયેલને 151 મિલિયન ડોલરના નવા હથિયારો વેચવાની મંજૂરી આપી દીધી છે. અમેરિકી અધિકારીઓએ ચેતવણી આપી છે કે આગામી થોડા કલાકોમાં એક મોટું બોમ્બિંગ અભિયાન શરૂ થઈ શકે છે, જે આ એક સપ્તાહના સંઘર્ષનો સૌથી ભીષણ હુમલો હશે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે શરણાગતિ સિવાય ઈરાન સાથે કોઈ વાતચીત કરવામાં આવશે નહીં.

