ગાઝાનું ભવિષ્ય અમેરિકામાં નક્કી થશે, ટ્રમ્પ મોટી બેઠક યોજશે
ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષના ભવિષ્ય અંગે એક મોટો ખુલાસો થયો છે. અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફે જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે વ્હાઇટ હાઉસ ખાતે ગાઝાના ભવિષ્ય અંગે એક મોટી બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં યુદ્ધ પછીના ગાઝાના સંચાલન માટેની એક વ્યાપક યોજના પર ચર્ચા કરવામાં આવશે. ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, વિટકોફે પહેલીવાર યુદ્ધ પછીની યોજનાના અસ્તિત્વનો સ્વીકાર કર્યો છે, જે ટ્રમ્પ વહીવટીતંત્રની ગાઝા અંગેની ગંભીરતા દર્શાવે છે.
ટ્રમ્પ વહીવટીતંત્રનું વલણ
સ્ટીવ વિટકોફે ફોક્સ ન્યૂઝ સાથેની મુલાકાતમાં જણાવ્યું કે આ યોજના રાષ્ટ્રપતિ ટ્રમ્પના માનવતાવાદી ઈરાદાઓને પ્રતિબિંબિત કરે છે. જોકે, તેમણે આ યોજનાની વિગતો વિશે કોઈ માહિતી આપી નથી. વિટકોફે યુદ્ધવિરામ કરાર પર ટ્રમ્પ વહીવટીતંત્રના સત્તાવાર વલણનો પણ પુનરોચ્ચાર કર્યો.
ટ્રમ્પે ઇઝરાયલનો બચાવ કર્યો
આ જાહેરાત પહેલા, ટ્રમ્પે ગાઝામાં ઇઝરાયલના હુમલાઓનો બચાવ કરતા એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઇઝરાયલના હુમલાઓ નરસંહાર નથી. ટ્રમ્પે જણાવ્યું કે 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસે ઇઝરાયલ પર જે હુમલો કર્યો, તેના પરિણામ સ્વરૂપે આ યુદ્ધ શરૂ થયું છે.
ગાઝાની વર્તમાન પરિસ્થિતિ
ગાઝાના આરોગ્ય અધિકારીઓ અનુસાર, ઓક્ટોબર 2023 થી ઇઝરાયલના હુમલામાં 62,000 થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને લગભગ 1.5 લાખ લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત, ગાઝામાં ભયંકર ભૂખમરાની કટોકટી પણ પ્રવર્તી રહી છે. આંતરરાષ્ટ્રીય અદાલતોમાં ઇઝરાયલ પર નરસંહાર અને યુદ્ધ અપરાધોના આરોપો મૂકવામાં આવ્યા છે.
યુદ્ધનું કારણ
આ યુદ્ધની શરૂઆત 7 ઓક્ટોબર 2023ના રોજ થઈ હતી, જ્યારે હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલ પર હુમલો કર્યો. આ હુમલામાં આતંકવાદીઓએ લગભગ 1,200 નિર્દોષ નાગરિકોને મારી નાખ્યા અને 251 લોકોને બંધક બનાવ્યા. આના વળતા જવાબમાં, ઇઝરાયલે હમાસ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી જે હજુ પણ ચાલુ છે.