ટ્રમ્પની ધમકીભરેલી શૈલી: ભારતમાં ટેરિફ વધારવાની ચીમકી સાથે પીએમ મોદી સાથેની વાતચીતનો ઉલ્લેખ
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થતું અટકાવ્યું હતું. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે તેમણે બંને દેશો પર વેપાર કરાર અને ભારે ટેરિફ લાદવાની ધમકી આપીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ પહેલા પણ ટ્રમ્પે અનેક વખત આ પ્રકારના નિવેદનો આપ્યા છે.
ટ્રમ્પનો PM મોદી સાથેની વાતચીતનો દાવો
ટ્રમ્પે જણાવ્યું કે તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના નેતાઓ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું, “હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી રહ્યો હતો, જે ખૂબ જ અદ્ભુત વ્યક્તિ છે. મેં તેમને પૂછ્યું કે તમારી અને પાકિસ્તાન વચ્ચે શું ચાલી રહ્યું છે. પછી મેં પાકિસ્તાન સાથે વાત કરી અને પૂછ્યું કે તમારી અને ભારત વચ્ચે શું ચાલી રહ્યું છે?” ટ્રમ્પે ઉમેર્યું કે બંને દેશો વચ્ચેની નફરત જબરદસ્ત હતી, જે ઘણા લાંબા સમયથી ચાલી રહી છે.
“તમારું માથું ફરકી જશે”
ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે બંને દેશોના નેતાઓને સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ કોઈ વેપાર સોદો કરવા માંગતા નથી, કારણ કે તેઓ પરમાણુ યુદ્ધની દિશામાં આગળ વધી રહ્યા છે. ટ્રમ્પે જણાવ્યું, “મેં કહ્યું કે કાલે મને ફરીથી ફોન કરો, પણ અમે તમારી સાથે કોઈ સોદો કરવાના નથી. જો અમે કરીશું, તો અમે તમારા પર એટલા ભારે ટેરિફ લાદીશું કે તમારું માથું ફરકી જશે.” ટ્રમ્પના મતે, આ ધમકી બાદ લગભગ પાંચ કલાકમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી.
રશિયા-યુક્રેન યુદ્ધ સાથે સરખામણી
આ નિવેદન આપતા સમયે ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે જો તેમણે આર્થિક પ્રતિબંધો ન લગાવ્યા હોત તો તે વિશ્વ યુદ્ધનું કારણ બની શક્યું હોત. આ જ રીતે, તેમણે દાવો કર્યો કે ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને અટકાવીને તેમણે પરમાણુ યુદ્ધને ટાળ્યું. જોકે, ભારતે હંમેશા સ્પષ્ટ કર્યું છે કે બંને દેશોના ડીજીએમઓ (ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ) વચ્ચેની સીધી વાતચીતથી જ સ્થિતિ કાબૂમાં આવી હતી.