ઈરાનને પાયમાલ કરવાની ટ્રમ્પની ખુલ્લી ધમકી.
અમેરિકા અને ઈરાન વચ્ચેનો વર્ષો જૂનો સંઘર્ષ હવે તેના સૌથી ખતરનાક તબક્કે પહોંચી ગયો હોય તેમ લાગે છે. સોમવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આપેલા નિવેદનોએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીમાં અમેરિકન જહાજોને નિશાન બનાવવાનું ચાલુ રાખશે, તો અમેરિકા તેને “પૃથ્વી પરથી ભૂંસી નાખશે.”
શું છે સમગ્ર વિવાદ?
તાજેતરમાં અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય હોર્મુઝ સ્ટ્રેટ જેવા વ્યૂહાત્મક જળમાર્ગોમાં આંતરરાષ્ટ્રીય જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવાનો છે. જોકે, ઈરાને આ પ્રોજેક્ટ હેઠળ જઈ રહેલા જહાજો અને તેમને સુરક્ષા આપી રહેલા અમેરિકન નૌકાદળ પર હુમલો કર્યો હોવાના અહેવાલો છે.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાને દક્ષિણ કોરિયાના કાર્ગો જહાજ સહિત અનેક વેપારી જહાજોને નિશાન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી ૨૦૨૬ થી આ વિસ્તારમાં તણાવ સતત વધી રહ્યો છે અને વેપારી જહાજો માટે આ માર્ગ અત્યંત જોખમી બની ગયો છે.
દક્ષિણ કોરિયાને યુદ્ધમાં જોડાવા આહ્વાન
ટ્રમ્પે તેમના નિવેદનમાં માત્ર ઈરાનને જ ધમકી નથી આપી, પરંતુ સહયોગી દેશોને પણ સક્રિય થવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે, “ઈરાને જે રીતે દક્ષિણ કોરિયાના જહાજને નિશાન બનાવ્યું છે તે જોતા હવે સમય આવી ગયો છે કે દક્ષિણ કોરિયા પણ આ મિશનમાં જોડાય.” ટ્રમ્પની આ ટિપ્પણી સૂચવે છે કે અમેરિકા હવે આ લડાઈને બહુપક્ષીય બનાવવા માંગે છે જેથી ઈરાન પર દબાણ વધારી શકાય.
અમેરિકાની સૈન્ય તાકાતનું પ્રદર્શન
પોતાના આક્રમક અંદાજ માટે જાણીતા ટ્રમ્પે અમેરિકાની સૈન્ય શક્તિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “અમારી પાસે અત્યારે દુનિયાના સૌથી અદ્યતન શસ્ત્રો અને દારૂગોળો છે. અમારી પાસે એવા સાધનો છે જેનો દુનિયાના કોઈ દેશે સામનો કર્યો નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે અમેરિકા પાસે વિશ્વના ખૂણે ખૂણે લશ્કરી થાણાઓ છે અને અમે કોઈપણ ક્ષણે ઈરાન પર પાયમાલ કરનારો હુમલો કરવા સક્ષમ છીએ.
વૈશ્વિક અર્થતંત્ર પર અસર
હોર્મુઝની સામુદ્રધુની એ વિશ્વના તેલ પુરવઠા માટેની સૌથી મહત્વની નળી છે. જો આ વિસ્તારમાં યુદ્ધ ફાટી નીકળે તો ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી શકે છે, જેની અસર ભારત સહિત સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પડશે. ટ્રમ્પની આ “ભૂંસી નાખવાની” ધમકી બાદ તેલ બજારોમાં પણ ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે
ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન માત્ર શબ્દોની લડાઈ છે કે પછી અમેરિકા ખરેખર મોટા લશ્કરી ઓપરેશનની તૈયારી કરી રહ્યું છે, તે તો આવનારો સમય જ કહેશે. પરંતુ એટલું ચોક્કસ છે કે ૪ મે ની આ ઘટના બાદ પશ્ચિમ એશિયામાં શાંતિની આશા અત્યંત ક્ષીણ થઈ ગઈ છે.

