અમદાવાદમાં સમૂહ લગ્નનો અનોખો ઉત્સવ
અમદાવાદના નરોડા વિસ્તારમાં કાર્યરત તુલસી ક્યારો સમિતિના યુવકો દ્વારા આ વર્ષે પણ પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ માટે વિશેષ સમૂહ લગ્નનું આયોજન કરાયું. પિતૃત્વથી વંચિત 14 દીકરીઓનું કન્યાદાન કરી યુવકોએ માત્ર સામાજિક ફરજ જ નહીં, પરંતુ હૃદયસ્પર્શી માનવતા પણ નિભાવી. આ પ્રસંગે ઘરવખરીનો સંપૂર્ણ સામાન, સોના–ચાંદીની ભેટો અને શુભકામનાઓનો વરસાદ કરવામાં આવ્યો.
છ વર્ષથી ચાલતું સમાજસેવાનું કાર્ય
આ યુવકસમૂહ છેલ્લા છ વર્ષથી દર ડિસેમ્બરમાં આવા સમૂહ લગ્ન યોજે છે. શરૂઆતમાં માત્ર વિચારરૂપે શરૂ થયેલુ આ માનવતા અભિયાનને સ્વરૂપ આપવા માટે તુલસી ક્યારો નામનું ગ્રુપ રચાયું. સર્વજ્ઞાતિની પિતાવિહીન દીકરીઓને સહારો આપવાની ભાવનાથી જન્મેલું આ ગ્રુપ આજે શહેરભરમાં સેવા માટે ઓળખાય છે.

સમૂહ લગ્નમાં ધાર્મિક વિધિઓનો પાવન રંગ
આ વર્ષે એણાસણ ગામમાં આવેલા શાંતમ પાર્ટી પ્લોટમાં સમગ્ર સમારોહ યોજાયો. પરંપરાગત માંડવા મુહૂર્તથી લઈને તમામ ધાર્મિક વિધિઓ યુવા ગ્રુપે પોતાની જવાબદારી તરીકે નિભાવી. દીકરીઓના પિતા બની યુવકોએ કન્યાદાન કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું.
પિતાની જેમ કરિયાવર અને આશીર્વાદ
લગ્ન પ્રસંગને એક મધ્યમ વર્ગના પરિવારમાં થતા લગ્ન સમાન રીતે ભવ્ય બનાવી આપવામાં આવ્યા. તુલસી ક્યારો સમિતિના પ્રમુખ ઉજ્જવલ પટેલ અને તેમની ટીમે દીકરીઓને તિજોરી, સોના–ચાંદીના દાગીના, ઘરવખરી તથા અન્ય આવશ્યક વસ્તુઓ ભેટ સ્વરૂપે અર્પણ કરી. સમગ્ર કાર્યક્રમમાં અનોખો ઉત્સાહ અને ભાવનાત્મક લાગણી જોવા મળી.

અત્યાર સુધી 100થી વધુ દીકરીઓને જીવનસાથી મળ્યો
સમૂહ લગ્નની આ સેવા વર્ષો સુધી સતત ચાલી રહી છે. પિતાની ખોટ જીવનભર પૂર્ણ થઈ શકતી નથી, પરંતુ આ યુવા ગ્રુપના અનવરત પ્રયાસો વડે અત્યાર સુધી 100થી વધુ દીકરીઓના માથા પર સુખની કંકોત્રી બંધાઇ છે. આ સેવાભાવી કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે.

