બિનપિયત જમીનમાં પણ નફાકારક પાક : શંકરભાઈની તુવેર ખેતીથી ખેડૂતોમાં નવી આશા
Tuvar Farming Success: મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના સાંપાવાડા ગામના ખેડૂતો હવે પરંપરાગત પાકોથી આગળ વધી તુવેરની ખેતી તરફ વળી રહ્યા છે. ગામના યુવા અને ઉત્સાહી ખેડૂત શંકરભાઈ પટેલ એ આ વર્ષે 8 વીઘા જમીનમાં તુવેરનું વાવેતર કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. માત્ર 7 ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ પણ શંકરભાઈએ પોતાની બુદ્ધિશાળી વિચારસરણી અને પ્રયોગશીલ વલણ વડે ખેતીમાં નવી દિશા બતાવી છે.
શંકરભાઈ જણાવે છે કે તુવેરનો પાક ખેતી માટે એક ઉત્તમ વિકલ્પ છે, કારણ કે તેમાં ખર્ચ ખૂબ ઓછો થાય છે અને ઉપજ સંતોષકારક મળે છે. આ પાક બિનપિયત જમીનમાં પણ સારું ઉત્પાદન આપે છે, એટલે સિંચાઈ પર ભારે ખર્ચ કરવાની જરૂર રહેતી નથી. જો સમયસર અને પૂરતો વરસાદ થાય તો ઉપજ ખૂબ જ ઉત્તમ મળે છે.

શંકરભાઈના અંદાજ મુજબ, એક વીઘા જમીનમાંથી સરેરાશ રૂ. 50,000 જેટલું ઉત્પાદન થાય છે. તેમણે આ વર્ષે 8 વીઘામાં તુવેરનું વાવેતર કર્યું છે, જેથી આશરે 4 લાખ રૂપિયા જેટલું વેચાણ થવાની શક્યતા છે. તુવેરની ખેતીમાં મજૂરીની જરૂરિયાત પણ ઓછી હોવાથી ખેડૂતને વધારાનો નફો થાય છે. વધુમાં તેમણે દેશી બિયારણનો ઉપયોગ કર્યો છે, જે લાંબા ગાળે લાભદાયી સાબિત થાય છે. દેશી બિયારણનો મોટો ફાયદો એ છે કે ખેડૂત દર વર્ષે પોતાના પાકમાંથી જ નવું બિયારણ તૈયાર કરી શકે છે, એટલે નવા બિયારણ પર વધારાનો ખર્ચ થતો નથી. સામાન્ય રીતે એક વીઘા માટે ફક્ત 1 કિલો બિયારણ પૂરતું રહે છે.
હાલના બજાર મુજબ તુવેરના 20 કિલોનો ભાવ રૂ. 1,700 થી 1,800 વચ્ચે રહે છે. સાંપાવાડા ગામના ખેડૂત પોતાનો પાક નજીકના બહુચરાજી અને હારીજ માર્કેટ યાર્ડમાં વેચે છે, જ્યાં સ્થાનિક માંગને કારણે વેચાણ સરળતાથી થઈ જાય છે. શંકરભાઈ કહે છે કે ગયા વર્ષે વરસાદથી અન્ય પાકને નુકસાન થયું હતું, પણ તુવેરની ખેતીથી નફો થયો હતો. તુવેરનો પાક તાપમાન અને વરસાદની બદલાતી પરિસ્થિતિઓમાં પણ સારી રીતે ટકી રહે છે, એટલે તે ખેડૂતો માટે એક સુરક્ષિત અને નફાકારક વિકલ્પ બની રહ્યો છે.

હવે સાંપાવાડાના અન્ય ખેડૂત પણ તુવેરની ખેતી અપનાવવા માટે ઉત્સાહિત થયા છે. ઓછા ખર્ચે, ઓછી મહેનતે અને વધુ આવક આપતી આ ખેતી ગામમાં ઝડપી લોકપ્રિય બની રહી છે. શંકરભાઈ પટેલે સાબિત કર્યું છે કે યોગ્ય પાકની પસંદગી, સમયસર સંભાળ અને નવીન વિચારસરણી વડે ખેતીમાં સમૃદ્ધિ મેળવવી સંપૂર્ણ શક્ય છે.

