UGC નો ડ્રાફ્ટ અભ્યાસક્રમ 2025: નવા ગણિત ડ્રાફ્ટ પર સવાલો, એક હજારથી વધુ નિષ્ણાતોએ પાછા ખેંચવાની કરી માગણી
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ 2025 માટે ગણિતનો નવો ડ્રાફ્ટ અભ્યાસક્રમ બહાર પાડ્યો છે. પરંતુ આ ડ્રાફ્ટને કારણે દેશભરના શિક્ષકો, સંશોધકો અને ગણિતના નિષ્ણાતો નારાજ છે. તેમનું કહેવું છે કે આ ડ્રાફ્ટમાં રિયલ એનાલિસિસ અને લિનિયર એલ્જેબ્રા જેવા અનેક અગત્યના વિષયોને ઓછું મહત્વ આપવામાં આવ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ અભ્યાસક્રમ લાગુ કરવામાં આવશે, તો ભવિષ્યની પેઢીઓના કારકિર્દી પર તેની ખરાબ અસર પડશે.
દિલ્હી યુનિવર્સિટી અને અન્ય કોલેજોના શિક્ષકો અને ગણિતના જાણકારોએ UGC ને આ ડ્રાફ્ટ પાછો ખેંચવાની માંગ કરી છે. લગભગ એક હજારથી વધુ નિષ્ણાતોએ નવી કમિટી બનાવીને અભ્યાસક્રમ તૈયાર કરવા માટે અરજી પણ મોકલી છે.
મહત્વના વિષયોને ઓછું મહત્વ આપવાનો આરોપ
અરજીમાં જણાવ્યા મુજબ, BSc અને BA સ્તરના ગણિતના મૂળભૂત વિષયોને પૂરતી જગ્યા મળી નથી. રિયલ એનાલિસિસ અને લિનિયર એલ્જેબ્રા જેવા વિષયોને યોગ્ય રીતે આવરી લેવામાં આવ્યા નથી. એલ્જેબ્રા ને માત્ર એક સેમેસ્ટરમાં જ સમાવી લેવાયું છે, જ્યારે રિયલ એનાલિસિસ ને એટલું મોડું સામેલ કરાયું છે કે આગળના જરૂરી વિષયો ઉમેરવા માટે જગ્યા જ રહેતી નથી. આ ઉપરાંત, કેટલાક કોર્સ માટે સૂચવેલા પુસ્તકો ઉપલબ્ધ નથી.
જૂના વિષયો પર વધુ ભાર
નિષ્ણાતોના મતે, એનાલિટિકલ જ્યોમેટ્રી અને મિકેનિક્સ જેવા જૂના વિષયોને જરૂર કરતાં વધુ મહત્વ આપવામાં આવ્યું છે, જ્યારે એપ્લાઇડ મેથ્સ, પ્રોગ્રામિંગ અને ન્યુમેરિકલ મેથડ્સ જેવા આધુનિક અને જરૂરી વિષયોને કોર અભ્યાસક્રમની બહાર રખાયા છે. સ્ટેટિક્સ ને પણ એક જ કોર્સમાં સમાવી લેવાયું છે. મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા વિષયોમાં પ્રેક્ટિકલ અને એપ્લિકેશન આધારિત શિક્ષણને અવગણવામાં આવ્યું છે.
શિક્ષકો અને વિદ્યાર્થીઓની તૈયારી પર સવાલ
અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઘણા કોર્સ ભણાવવા માટે શિક્ષકો તૈયાર નથી અને વિદ્યાર્થીઓ પાસે પણ પાયાનું જ્ઞાન નથી. ક્વોન્ટમ મિકેનિક્સ જેવા કોર્સ ભણાવવામાં શિક્ષકો સક્ષમ નથી અને વિદ્યાર્થીઓ માટે તે સમજવું મુશ્કેલ છે. તે જ રીતે, મ્યુઝિક, ડ્રામા અને મેડિટેશન સાથે સંકળાયેલા ગણિતના કોર્સને બિનજરૂરી ગણાવાયા છે.
સંશોધન અને નોકરી પર અસર
નિષ્ણાતો અનુસાર, નવો ડ્રાફ્ટ વિદ્યાર્થીઓને MSc અથવા PhD માટે તૈયાર નહીં કરે. ઇન્ડસ્ટ્રીમાં નોકરી મેળવવામાં પણ તે મદદરૂપ સાબિત થશે નહીં. ચાર વર્ષની ડિગ્રી પછી વિદ્યાર્થીઓ NET જેવી પરીક્ષાઓ આપવા માટે યોગ્ય તો હશે, પરંતુ સંશોધન અથવા ઉચ્ચ શિક્ષણમાં ટકી રહેવું તેમના માટે મુશ્કેલ બનશે.
આ કારણોસર, દેશભરના ગણિતના નિષ્ણાતો અને શિક્ષકો UGC ને ડ્રાફ્ટ પાછો ખેંચી લેવા અને એક નવી, સંતુલિત કમિટી સાથે અભ્યાસક્રમ તૈયાર કરવા માટે માંગ કરી રહ્યા છે.