અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ કયા રોગોનું કારણ બની શકે છે?
આધુનિક જીવનશૈલીમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ એક સામાન્ય ભાગ બની ગયા છે. આ ખોરાક દેખાવમાં જેટલા આકર્ષક લાગે છે, તે સ્વાસ્થ્ય માટે એટલા જ હાનિકારક સાબિત થઈ શકે છે. ઇન્સ્ટન્ટ નૂડલ્સ, બિસ્કિટ, ચિપ્સ, કેન જ્યુસ, અને ફ્રોઝન ફૂડ જેવી વસ્તુઓ સ્વાદિષ્ટ હોવા છતાં, શરીરને ધીમે ધીમે રોગો તરફ ધકેલી શકે છે અને અકાળે મૃત્યુનું જોખમ પણ વધારી શકે છે.
અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ એટલે શું?
અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ એવા ખોરાક છે જેમાં કૃત્રિમ સ્વાદ, રંગો, પ્રિઝર્વેટિવ્સ અને રસાયણોનો વધુ પડતો ઉપયોગ થાય છે. આ ફૂડ્સમાં કુદરતી ઘટકોનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અને મોટાભાગે મશીનો તથા ફેક્ટરીઓમાં તૈયાર થાય છે.
અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડથી થતા રોગો
અમેરિકન હાર્ટ એસોસિએશન અને વિશ્વભરના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ પ્રકારના ખોરાક સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. તેમના સતત સેવનથી શરીરમાં હોર્મોનલ અસંતુલન, બળતરા, વજનમાં વધારો અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.
અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડથી થઈ શકતી મુખ્ય બીમારીઓ:
હાર્ટ એટેક અને સ્ટ્રોક: અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડમાં ટ્રાન્સ ફેટ, મીઠું અને રસાયણો રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે, જેનાથી હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ લગભગ 50% વધી જાય છે.
સ્થૂળતા: આ ખોરાકમાં કેલરી વધુ હોય છે અને પોષક તત્વો ઓછા હોય છે, જેના કારણે ચરબીનો સંચય થાય છે અને વજન ઝડપથી વધે છે, જે સ્થૂળતાની શક્યતા 55% વધી જાય છે
ઊંઘની સમસ્યા: પ્રોસેસ્ડ ફૂડમાં ખાંડ અને કેફીન જેવા ઘટકો શરીરના કુદરતી ઊંઘ ચક્રને વિક્ષેપિત કરે છે, જે અનિદ્રાની સમસ્યાઓમાં 41% સુધી વધારો કરી શકે છે.
ટાઇપ-૨ ડાયાબિટીસ: આ ખોરાકમાં છુપાયેલા ખાંડ અને શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ રક્ત ખાંડને અસંતુલિત કરે છે, ઇન્સ્યુલિન પ્રતિકાર વધારે છે અને ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ 40% વધી જાય છે.
ડિપ્રેશન: અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ સેરોટોનિન જેવા મગજના રસાયણોને અસર કરે છે, જે મૂડને બગાડી શકે છે અને ડિપ્રેશનનું જોખમ 20% સુધી વધારી શકે છે.
મૃત્યુનું જોખમ કેટલું વધે છે?
જે લોકો નિયમિતપણે વધુ પડતું અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ ખાય છે, તેમનામાં અકાળે મૃત્યુનું જોખમ લગભગ ૩૦ થી ૫૦ ટકા સુધી વધી જાય છે. આ ખોરાક શરીરમાં બળતરા, હાઈ બ્લડ પ્રેશર, અને પોષક તત્વોની ઉણપ જેવા પરિબળોને કારણે હૃદય, મગજ, લીવર, અને કિડનીને નુકસાન પહોંચાડે છે, જે અંતે ગંભીર રોગો અને મૃત્યુનું કારણ બની શકે છે.