અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ પુરુષો માટે જોખમકારક: સ્પર્મ કાઉન્ટ ઘટાડી શકે છે, અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો
એક નવા અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ (જેમ કે પેકેજ્ડ નાસ્તો, સોફ્ટ ડ્રિંક્સ અને ફાસ્ટ ફૂડ) પુરુષોના જાતીય સ્વાસ્થ્ય પર ગંભીર નકારાત્મક અસર કરી શકે છે. આ અભ્યાસ સેલ મેટાબોલિઝમ જર્નલમાં પ્રકાશિત થયો છે અને દર્શાવે છે કે આ પ્રકારનો આહાર પુરુષોની પ્રજનન ક્ષમતા અને મેટાબોલિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
અભ્યાસના તારણો
આ અભ્યાસ 20 થી 35 વર્ષની વયના 43 સ્વસ્થ પુરુષો પર કરવામાં આવ્યો હતો. તેમને બે જૂથોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. એક જૂથને ત્રણ અઠવાડિયા માટે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ અને બીજા ત્રણ અઠવાડિયા માટે અનપ્રોસેસ્ડ ફૂડ આપવામાં આવ્યું. જ્યારે બીજા જૂથને જરૂરિયાત કરતાં 500 કેલરી વધુ હાઈ-કેલરી ફૂડ ખાવા માટે કહેવામાં આવ્યું.
અભ્યાસના પરિણામો દર્શાવે છે કે જે પુરુષોએ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ ખાધું હતું તેમનું વજન અને શરીરની ચરબી વધુ હતી, અને તેમના મેટાબોલિક રેટ પર પણ અસર થઈ હતી. સૌથી ગંભીર તારણ એ હતું કે આ આહાર પુરુષોની પ્રજનન ક્ષમતાને સીધી રીતે અસર કરે છે.
સ્પર્મ કાઉન્ટ અને હોર્મોન્સ પર અસર
અભ્યાસ મુજબ, વધુ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ (શુક્રાણુઓની સંખ્યા) ઘટી શકે છે. આ ઉપરાંત, આવા ખોરાક ખાતા પુરુષોમાં ફોલિકલ-સ્ટિમ્યુલેટિંગ હોર્મોન (FSH) નું સ્તર પણ ઓછું જોવા મળ્યું, જે શુક્રાણુઓના નિર્માણ માટે અત્યંત આવશ્યક છે.
આહારના કારણે સ્પર્મ મોટિલિટી (શુક્રાણુઓની ગતિશીલતા) પણ ઘટી હતી, જેનું કારણ કેમિકલ cxMINP હોઈ શકે છે. આ કેમિકલ એક એન્ડોક્રાઈન-ડિસપ્ટર્સ છે જે હોર્મોન સ્તરમાં મોટા ફેરફારો લાવી શકે છે. અંતે, આ અભ્યાસ ચેતવણી આપે છે કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ માત્ર વજનમાં વધારો નહીં, પણ સેક્સ હોર્મોન્સમાં અસંતુલન, પ્રજનન ક્ષમતામાં ઘટાડો અને સામાન્ય સ્વાસ્થ્ય પર અસર કરે છે. જો તમે લાંબા ગાળે સ્વસ્થ અને પ્રજનનક્ષમ રહેવા માંગતા હોવ, તો આહાર પર નિયંત્રણ અને જાગૃતિ જરૂરી છે.