Umer General જનરલ ગ્રુપે 227 એકર જમીન 52 કરોડમાં હરાજીમાં ખરીદી હતી, જમીનનું સબ ડિવિઝન કરીને ટૂરિઝમ અને ઈન્ડસ્ટ્રીયલ પ્લોટમાં પરિવર્તન કરવાનો દાવ પણ નિષ્ફળ
રાજસ્થાનનાં કોટામાં અરાફાત ગ્રુપની જેકે ફેક્ટરી બંધ થયા બાદ રાજસ્થાનની ભજનલાલ સરકારે બે હજાર કરોડની કિંમતની મનાતી 2500 એકર જમીન પોતાની હસ્તક લેવા માટે આખરે કડક કાર્યવાહી કર્યા બાજ જનરલ ગ્રુપ માટે મોટી મુશ્કેલીઓ સર્જાઈ છે. આજે જે જમીનની કિંમત કરોડો રુપિયામાં અંકાય છે તે જમીન પોતાની જ જેકે ફેક્ટરી પાસેથી પોતાના જ અરાફાત ગ્રુપને મળી રહે તે માટેના છેક છેલ્લી ઘડીના હવાતીયા પણ એળ ગયા હતા. હવે જનરલ ગ્રુપ સરકાર હસ્તકની જમીન પાછી લેવાની બાબતને કોર્ટમાં પડકારવાની તૈયારીમા પડ્યું છે.
વિગતો મુજબ જેકે ફેક્ટરીમાં ઉત્પાદન બંધ થવાના કારણે અનેક પ્રકારની મોકાણ સર્જાઈ હતી. કર્મચારીઓ સાડા ત્રણ કરોડ રુપિયાનાં બાકી નીકળતા મહેનતાણા માટે આંદોલન કરવાની ફરજ પડી હતી. કર્મચારીઓ-શ્રમિકોએ સતત રેલીઓ,ઘરણા અને પ્રદર્શનો યોજ્યા હતા અને જેકે ફેક્ટરી પાસેથી મહેનતાણા ઉપરાંત વળતરની માંગ કરી હતી.
જેકે ફેક્ટરીનુ એક્રેલિક પ્લાન્ટ બંધ થયા બાદ ઉત્પાદન સંપૂર્ણપણે ઠપ્પ થઈ જવા પામ્યું હતું. જેરે ફેક્ટરીની જમીન પોતાની પાસે યથાવત રહે તે માટે અરાફાત ગ્રુપે રાજસ્થાન હાઈકોર્ટમાં પીટીશન પણ ફાઈલ કરી હતી પરંતુ હાઈકોર્ટે આ મામલે સરકાર અથવા પ્રશાસન પાસે જવાના નિર્દેશ આપ્યા હતા. ત્યાર બાદ અરાફાત ગ્રુપે કોટા કલેક્ટર સમક્ષ જમીનનું સબ ડિવિઝન કરવાની માંગ કરવાનો ખેલ કરી જોયો હતો. અરાફાત ગ્રુપે માંગ કરી હતી જેકે ફેક્ટરીની જમીન પૈકીની કેટલીક જમીન ટૂરિઝમ અથવા ઈન્ડસ્ટ્રીયલ પ્લોટ પાડીને અરાફાત ગ્રુપને આપવામાં આવે. જોકે, કલેક્ટરે જમીનનાં સબ ડિવિઝન કરવાની અરાફાત ગ્રુપની માંગને ફગાવી દીધી હતી અને લીઝની શરતો પૂર્ણ નહીં કરવા બદલ જમીન સરકાર પાસે ફરીથી હસ્તગત કરવાનો આદેશ આપ્યો હતો.
માહિતી મુજબ આજે જે જમીનની કિંમત કરોડોમાં અંદાજવામાં આવે છે તે કોટાના ડીસીએમ રોડ પર આવેલી આખીય જમીનને વીસેક વર્ષ પહેલાં અરાફાત ગ્રુપે આઈડીબીઆઈ બેન્કની જાહેર હરાજીમાં 2500 એકર જમીન પૈકીની 227 એકર 52 કરોડ રુપિયામાં ખરીદી હતી. તે વખતે જમીનનો કબ્જો જેકે ફેક્ટરી પાસે હતો પરંતુ જેકે ફેક્ટરીના એક્રેલિક પ્લાન્ટમાં આગ લાગ્યા બાદ પ્રોડક્શન બંધ થતાં મોટી ઉથલપાથલ સર્જાઈ જવા પામી હતી. વર્કરો સાથે ઘર્ષણની પણ અનેક ઘટનાઓ બની હતી અને કોર્ટ કેસ પણ થયા હતા, જે પૈકી કેટલાક હજુ પણ ચાલી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
માહિતી મુજબ છેલ્લી ઘડીના પ્રયાસોના ભાગરુપે અરાફાત ગ્રુપના ડિરેક્ટર અમીન જનરલ, જુનેદ જનરલ અને યુસુફ લીલામવાલાએ જમીનના સબ ડિવિઝન માટે 6 કરોડ રુપિયા સરકારમાં જમા કરાવ્યા હતા પરંતુ એ પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે અને ભજનલાલ સરકારે સાત દિવસની નોટીસની ભીતરમા જ ભાજપની ભજનલાલ સરકારે જમીન પાછી લઈ લીધી છે.