પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને હાલ રાહત મળવાની સંભાવના નથી. કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં કાપ મૂકવાના મૂડમાં નથી. તેનું મુખ્ય કારણ એ છે કે ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમિયાન તમામ પ્રકારના ટેક્સ કલેક્શનમાં ઘટાડો થયો હતો, પરંતુ અગાઉના નાણાકીય વર્ષના સમાન ગાળાની સરખામણીએ પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીની વસૂલાતમાં લગભગ 34 ટકાનો વધારો થયો હતો.
કેન્દ્ર સરકારને હવે એક લીટર પેટ્રોલના વેચાણ પર એક્સાઇઝ ડ્યૂટી તરીકે 32.98 રૂપિયા મળે છે. સરકારને એક લીટર ડીઝલના વેચાણ પર 31.83 રૂપિયા મળે છે. રાજ્ય સરકાર વેટસ્વરૂપે અલગથી ટેક્સ વસૂલે છે. દિલ્હીમાં એક લીટર પેટ્રોલ પર 19.32 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ વસૂલવામાં આવે છે, જે રાજ્ય સરકારના ખાતામાં જાય છે.
શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલની કિંમત 84.70 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 74.88 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે. ગયા વર્ષે 1 એપ્રિલના રોજ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 69.69 રૂપિયા પ્રતિ લીટર હતી. એટલે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં પેટ્રોલની કિંમતમાં 20 ટકાથી વધુનો વધારો થયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાથી સરકારની આવક પર અસર પડશે. તેથી કેન્દ્ર સરકાર વતી એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડા પર કોઈ વિચારણા કરવામાં આવી રહી નથી. નિષ્ણાતોનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોમાં નરમાઈને કારણે પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતમાં ઘટાડો થવાની સંભાવના છે