નવી દિલ્હી : પેરાલિમ્પિયન દીપા મલિકે લોકસભા 2019ની ચૂંટણી પહેલા સોમવારે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. દીપાએ અહી ભાજપના હેડક્વાર્ટર પર જઇને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં પક્ષમાં સામેલ થઇ હતી. પહેલા ટ્યૂમર સામે જંગ જીત્યા પછી ઓલિમ્પિક્સમાં ઇતિહાસ રચનારી દીપાએ 48 વર્ષની વયે રાજકારણમાં પગરણ માંડ્યા છે. 30 સપ્ટેમ્બર 1970માં હરિયાણાના સોનીપત જિલ્લાના ભેંસવાલ ગામે જન્મેલી દીપાનું જીવન સરળ રહ્યું નથી પણ તેણે કદી સંજોગો સામેં હાર માની નથી.
29 વર્ષની વયે તે લક્વાગ્રસ્ત બની હતી અને કમરની નીચેનો હિસ્સો લક્વાદગ્રસ્ત થયો હતો. કરોડરજ્જુમાં ટ્યુમર હોવાને કારણે તે ચાલી નથી શકતી. 18 વર્ષથી તે વ્હીલચેર પર જ છે. જો કે દુખાવા અને સંજોગોને હરાવીને દીપાએ પેરાલિમ્પિક્સમાં ઇતિહાસ રચ્યો હતો. રિયો પેરાલિમ્પિક્સની સિલ્વર મેડલિસ્ટ દીપા મલિકે પોતાની વય કરતાં વધુ ગોલ્ડ મેડલ જીત્યા છે. તેની વય 48 વર્ષની છે અને તેની પાસેના ગોલ્ડ મેડલની સંખ્યા 50 છે.