મેડ્રિડ : ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમે અહીં મેડ્રિડ ઓપનમાં 2 મેચ પોઇન્ટ બચાવીને દિગ્ગજ સ્વિસ ખેલાડી રોજર ફેડરરને 3-6, 7-6, 6-4થી હરાવીને એક આકરા પડકારનો અંત આણીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ત્રણ વર્ષ પછી ક્લે કોર્ટ પર વાપસી કરનારા 37 વર્ષિય ફેડરરે ક્લે કોર્ટ પર પોતાની અંતિમ મેચ રોમમાં 2016માં થિએમ સામે જ હાર્યો હતો. થિએમનો હવે સેમી ફાઇનલમાં ટોચના ક્રમાંકિત નોવાક જોકોવિચ સાથે સામનો થશે, જે મારિન સિલિચ પેટના દુખાવાના કારણે ક્વાર્ટર ફાઇનલમાંથી હટી જતાં અંતિમ 4માં પ્રવેશ્યો હતો.
થિએમે ફેડરર સામે પ્રથમ સેટ ગુમવ્યા પછી મેચમાં વપસી કરી હતી અને બીજો સેટ ટાઇ બ્રેકરમાં જીતીને પછી અંતિમ સેટમાં તેણે ફેડરર પર પ્રભુત્વ જમાવીને મેચ જીતી લીધી હતી. આ તરફ બીજા ક્રમાંકિત સ્પેનિશ ખેલાડી રાફેલ નડાલે શુક્રવારે રાત્રે સ્ટેન વાવરિંકાને એક અન્ય ક્વાર્ટર ફાઇનલમાં 6-1, 6-2થી હરાવીને 11મી વખત મેડ્રિડ ઓપનની સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. સેમી ફાઇનલમાં તેનો સામનો સ્ટેફાનોસ સિટસિપાસ સાથે થશે, સિટસિપાસે ક્વાર્ટર ફાઇનલમાં એલેક્ઝાન્ડર ઝ્વેરેવને 7-5, 3-6, 6-2થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.