ભાજપના આક્રમક મહિલા નેતા અને પાટીદાર અનામત આંદોલનથી લાઈમ લાઈટમાં આવેલા રેશ્મા પટેલ હવે લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી ચૂક્યા છે. તેઓ પોરબંદરથી લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને રાજકોટના ઉપલેટાને ચૂંટણી પ્રચાર માટે મુખ્ય કેન્દ્ર બનાવ્યું હોવાનું તેમણે જણાવ્યું છે.
રેશ્મા પટેલે જણાવ્યું છે કે 2019ની લોકસભાની ચૂંટણીના સંગ્રામની તૈયારી સમગ્ર દેશમાં શરૂ થઈ ચૂકી છે. તમામ દેશવાસી અને રાજકીય દળોને શૂભકામના આપી જણાવવાનું કે હું પોરબંદર લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવી રહી છું. ભાજપની તાનાશાહી માનસિક્તા અને કૂટનીતિઓ વિરુદ્વ હું લડવા જઈ રહી છું. આ માટે પોરબંદર લોકસભા વિસ્તારમાં પ્રચાર-પ્રસારનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે પોરબંદર લોકસભા ચૂંટણી માટે ઉપલેટા સિટીને સેન્ટર બનાવવામાં આવ્યું છે અને ઉપલેટાના કોલકી રોડ, વિશ્રામ ગૃહ પાસે નિવાસ સ્થાન રાખવામાં આવ્યું છે. રેશ્મા પટેલને તેવર જોતાં પોરબંદરની ચૂંટણી અત્યંત રસપ્રદ બની રહેવાની સંભાવના છે.