અમદાવાદ: આગામી સમયમાં ઓગસ્ટની રજાઓ અને દિવાળી વેકેશન માં બહારગામ કે અન્ય રાજ્યોમાં ફરવા જવાનું પ્લાનિંગ કરનારાઓએ તેમના બજેટમાં વધારો કરવો પડશે. 1 જુલાઈથી સમગ્ર દેશમાં લાગુ પડેલા જીએસટીના કારણે એસી બસ, હોટેલ વગેરેના ટેક્સમાં વધારો થતાં હવે ટૂર મોંઘી થશે.
માત્ર ટૂર જ નહીં એસી કોચ લકઝરી બસમાં ફરવા જવા માટે પણ બજેટ વધારવું પડશે. કારણ કે આગામી એક સપ્તાહમાં ખાનગી લકઝરી બસમાં પણ રૂ.10 થી 50 સુધીનો ભાવવધારો તોળાઈ રહ્યો છે.
અમદાવાદથી ભાવનગર, રાજકોટ, આબુ, અમરેલી, સુરત, મુંબઈ, પુણે, દીવ, નાથદ્વારા જતી ખાનગી લકઝરી બસનાં ભાડાંમાં પણ વધારો થશે.
આ અંગે અખિલ ગુજરાત ટ્રાવેલ્સ એસોસિએશનના સંગઠનમંત્રી રાજભા ગોહિલે જણાવ્યું હતું કે જીએસટીના કારણે તમામ ટેક્સ નાબૂદ થાય અને એક જ ટેક્સ ભરવાનો થાય તો જ બસ સેવા સસ્તી થાય. સાથે જ, ટાયરોના ભાવમાં વધારો, 5 ટકા એસી બસ પર જીએસટી, ટોલટેક્સ, સર્વિસ ટેક્સ, ઈન્કમટેક્સ બધું ભરવાનું જ છે. તેથી ટૂંક સમયમાં જ એસોસિએશનની મિટિંગમાં ભાવ વધારાનો નિર્ણય લેવાશે.
ટૂર્સ ઓપરેટર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટ એસોસિએશન ઓફ ગુજરાતના સેક્રેટરી અનુજ પાઠકે જણાવ્યું હતું કે આગામી તહેવારો અને દિવાળી વેકેશનની સિઝનમાં યોજાનારી ટૂર ઉપર જીએસટીની અસર પડશે. જેને લીધે દરેક ટૂર પેકેજમાં ખાનગી લકઝરી બસોના સીટિંગ, સ્લિપર અને અંતર પ્રમાણે રૂ. 10 થી 50 સુધીના ભાડાંમાં વધારો થશે.
ગ્રાહકોના માથે 4.5 ટકા ટેક્સ હતો. જે વધીને આ વર્ષે 9 ટકા થયો છે. સાથે સાથે ટૂર ઓપરેટરોએ એસી બસ, હોટલ અને તમામ લકઝરી સુવિધા માટે જીએસટી મુજબ વધુ રકમની ચુકવણી કરવાની હોવાથી સરવાળે ટૂર પેકેજ મોંઘાં થશે.
જીએસટીમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પર 15 ટકા સર્વિસ ટેક્સ લાગતો હતો જે હવે 18 ટકા લાગશે. આમ, 10 હજારના ટૂર પેકેજ પર પહેલાં 1500 ટેક્સ હતો જે હવે 1800 થશે.
જોકે, એસટીની મુસાફરીના દર યથાવત રહેશે. પરંતુ, ખાનગી લકઝરી ટ્રાવેલ્સની બસોના તમામ ટેક્સ ઉપરાંત 5 ટકા જીએસટીનો ઉમેરો થતા વધારો ગ્રાહકો પાસેથી વસૂલાશે.