ઇંગ્લેન્ડની સરે કાઉન્ટીના વિલ જેક્સે ડોમેસ્ટિક સિઝનની શરૂઆત પહેલા જ જોરદાર બેટિંગ પ્રદર્શન કર્યું છે. તેણે લેન્કેશાયર સામેની એક મેચમાં જોરદાર બેટિંગ કરીને માત્ર 25 બોલમાં જ સદી ફટકારી દીધી હતી. પ્રોફેશનલ ક્રિકેટમાં કોઇ ઇંગ્લિશ બેટ્સમેન દ્વારા ફટકારાયેલી આ સૌથી ઝડપી સદી માનવામાં આવી રહી છે. જેક્સે પોતાની ઇનિંગ દરમિયાન 11 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા.
દુબઇમાં રમાઇ રહેલી ટી-10 ત્રિકોણીય સિરીઝમાં તેણે આ ઇનિંગ રમી હતી. આ ટૂર્નામેન્ટમાં સરે અને લેન્કેશાયરની સાથે ત્રીજી ટીમ આઇસીસી એકેડમીની છે. જેક્સે 30 બોલમાં 105 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. તેની ટીમે આ મેચ જીતી લીધી હતી. જેક્સે લેન્કેશાયરના બોલર સ્ટીફન પેરીની એક જ ઓવરમાં સતત છ છગ્ગા ફટકાર્યા હતા. સ્ટીફન પેરી ઇંગ્લેન્ડ વતી વનડે અને ટી-20 મેચ રમી ચુક્યો છે.આ પહેલા 20 વર્ષિય જેક્સે ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડ લાયન્સ વતી રમતા ભારત-એ ટીમ વિરુદ્ધની બિન સત્તાવાર ટેસ્ટમાં 63 રનની ઇનિંગ રમી હતી.