બોકિસંગમાં 6 વારની વર્લ્ડ ચેમ્પિયન ઍમસી મેરીકોમ સોમવારે અહીં શરૂ થયેલી ઇન્ડિયન ઓપન બોક્સિંગ ટુર્નામેન્ટના બીજા સેશનની સેમી ફાઇનલમાં 51 કિગ્રાની કેટેગરીમાં ઍશિયન ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલિસ્ટ નિખત ઝરીન સાથે સામસામે આવી શકે છે. રવિવારે જારી થયેલા ડ્રોને ધ્યાને લેતા ઍશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ અમિત પંઘાલ 52 કિગ્રાની કેટેગરીમાં સરળતાથી ફાઇનલમા પહોંચી શકે છે. જ્યાં તેનો સામનો ઍશિયન ગેમ્સના સિલ્વર મેડલિસ્ટ ફિલિપાઇન્સના રોગેન સિઍગા લાદોન સાથે થઇ શકે છે.
ડ્રોમાં ઓછા ખેલાડી હોવાના કારણે 10 ભારતીય બોક્સરોને સીધો સેમી ફાઇનલમાં પ્રવેશ મળતા તેમના મેડલ પાકાં થયા છે. જેમાં 6 પુરૂષ અને 4 મહિલા બોક્સર સામેલ છે. બ્રજેશ યાદવ અને સંજય 81 કિગ્રાની કેટેગરીમાં સેમી ફાઇનલમાં સીધી પોતાની પહેલી બાઉટ રમશે. જ્યારે નમન તંવર અને સંજીત 91 કિગ્રાની કેટેગરીમાં સીધા સેમી ફાઇનલમાં રમશે. આ સિવાય સતીશ કુમાર અને અતુલ ઠાકુર પણ સીધા સેમી ફાઇનલમાં રમશે. મહિલાઓમાં લલિતા બોરગોહેન અને અંજલી ઉપરાંત ભાગ્યવતી કાછરી અને સ્વીટી બુરા સીધા સેમી ફાઇનલ રમશે.