બિકાનેરઃ ગુજરાતના પડોશી રાજ્યમાં એક ચોંકાવનારી અને માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના બની હતી. અંહી એક સાથે પાંચ બાળકોના રમતાં રમતાં મોત નીપજ્યા હતા. આ ચોંકાવનારી ઘટના ત્યારે બની જ્યારે પાંચ બાળકો રમતા હતા ત્યારે તે અનાજ ભરવાની કોઠીમાં સંતાયા હતા જોકે, કોઠીનું ઢાંકણું બંધ થતાં તમાના શ્વાસ રૂંધાવાના કારણે મોતને ભેટ્યાં હતા. આ તામમની ઉંમર ત્રણથી આઠ વર્ષ વચ્ચેની હતી. આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગળની કાર્યવાહી હાથધરી હતી.
બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે ભીયારામ અને તેમની પત્ની ખેતરમાં કામ કરવા માટે ગયા હતા. બપોરે અઢી વાગ્યે બંને પરત આવ્યા હતા. આ દરમિયાન ભીયારામ ઘરમાં બેઠો હતો જ્યારે તેની પત્નીએ બાળકોની શોધખોળ શરૂ કરી હતી.
બાળકો ન મળ્યા ત્યારે તેણીએ ઘરના આંગણામાં રાખેલી અનાજની કોઠી ખોલી હતી. કોઠી ખોલતા જ તેણીનું કાળજી ફાટી ગયું હતું! પાંચેય બાળકો બેભાન અવસ્થામાં પડ્યા હતા. બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.
બિકાનેર એસ.પી. પ્રીતિ ચંદ્રાના કહેવા પ્રમાણે મૃતકોમાં ચાર બાળકી અને એક બાળકનો સમાવેશ થાય છે. “બાળકોની માતા જ્યારે ઘરે આવી ત્યારે તેણીએ ઘરમાં બાળકોને જોયા ન હતા. આથી તેણીએ તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન અનાજ ભરવાની કોઠીની તપાસ કરતા તેમાંથી બાળકો મૃત હાલતમાં મળી આવ્યા હતા.”
જે બાદમાં દેવારામ (ઉં.વ. 4), રવિના (ઉં.વ. 7 ), રાધા (ઉં.વ.5) પૂનમ (ઉં.વ. 8) અને માલીને તાત્કાલિક સરકારી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના ડૉક્ટરોએ તમામ બાળકોને મૃત જાહેર કર્યાં હતાં.
બાળકો અંદર પુરાયા બાદ દરવાજો બંધ થઈ જતાં તેઓ દરવાજો ખોલી શક્યા ન હતા અને શ્વાસ રૂંધાઈ જવાથી તમામનાં મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે રમત રમતમાં બાળકોનો જીવ ગયો હોય તેવા અનેક બનાવો બનતા રહે છે. આથી જ બાળકો રમતા હોય ત્યારે તેમના માતાપિતા તેમના પર નજર રાખે તે ખૂબ જરૂરી છે.