તમે ભલે સિગારેટનું સેવન કરવાથી જોજનો દૂર રહેતા હોવ તેમ છતાં દરરોજ સરેરાશ 2 સિગારેટ પીવા જેટલો ધુમાડો પોતાના શ્વાસમાં ઠાલવી રહ્યા છો.આમ, અમદાવાદીઓના શ્વાસમાં 60 સિગારેટ જેટલો ધુમાડો જાય છે. પ્રદૂષણનું આ વધતું જતું સ્તર ખતરાની ઘંટડી સમાન છે. દિલ્હીમાં અત્યંત ચિંતાજનક રીતે વધેલા પ્રદૂષણના સ્તરમાંથી પદાર્થપાઠ લઇને આવી સ્થિતિનું ગુજરાતમાં નિર્માણ થાય નહીં તેના માટે કડક પગલા લેવાનો સમય આવી ગયો છે.
શહેરમાં વસતી પ્રત્યેક વ્યક્તિ હવાના પ્રદૂષણથી કેટલો ધુમાડો પોતાના ફેફસામાં ઠાલવે છે તેના અંગેની એક મોબાઇલ એપ બ્રાઝિલના ડિઝાઇનર-પેરિસના એપ ડેવલપર દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેના અનુસાર અમદાવાદમાં પીએમ 25 એક્યુઆઇનું સ્તર 123, પીએમ 10 એક્યુઆઇનું સ્તર 53, સીઓ એક્યુઆઇનું સ્તર 19.2, ઓ3 એક્યુઆઇનું સ્તર 9.7 છે. આ આંકડાને આધારે જ અમદાવાદીઓ દિવસ-સપ્તાહ-મહિનામાં સિગારેટ નહીં પીને પણ કેટલી સિગારેટનો ધુમાડો પોતાના શ્વાસની અંદર ઠાલવે છે તેનો અંદાજ આપવામાં આવે છે.
ગુજરાતના અન્ય શહેરમાંથી સુરતમાં દરરોજની 0.7-મહિનાની 21.7 સિગારેટ, વડોદરામાં દરરોજની 1.8-મહિનાની 1.35, રાજકોટમાં દિવસની 1.8-મહિનાની 53.5 સિગારેટ જેટલો ધુમાડો ફેફસામાં ઠાલવવામાં આવે છે. પીએમ 2.5 લેવલ 22નું હોય તેનો મતલબ તમે બહારની હવા લો છો ત્યારે એક સિગારેટનો ધુમાડો તમારી અંદર જતો હોય છે.
હાલમાં દિલ્હીનું પ્રદૂષણનું સ્તર એટલું વધી ગયું છે કે જાહેર માર્ગો ‘ગેસ ચેમ્બર’ સમકક્ષ બની ગયા છે. દિલ્હીમાં રહેતી પ્રત્યેક વ્યક્તિ હાલમાં દરરોજ સરેરાશ 37.4 સિગારેટ જેટલો ધુમાડો પોતાના ફેફસામાં ઠાલવે છે. જેના ઉપરથી જ દિલ્હીની સ્થિતિનો તાગ મેળવી શકાય છે.
કયા શહેરમાં કેટલી સિગારેટનો ધુમાડા જેટલું પ્રદૂષણનું સ્તર?
શહેર | દિવસ | સપ્તાહ | મહિનો |
અમદાવાદ | 1.8 | 12.5 | 53.5 |
સુરત | 0.7 | 5.1 | 21.7 |
વડોદરા | 1.8 | 12.5 | 53.5 |
રાજકોટ | 1.8 | 12.5 | 53.5 |
ભાવનગર | 1.8 | 12.5 | 53.5 |