નવી દિલ્હીઃ રિલાન્યનું નામ પડે ત્યારે લોકોને એક જ નામ ધ્યાનમાં આવે મુકેશ અંબાણી પરંતુ વૈશ્વમાં અબજોપતિની યાદીમાં આવતા મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની સ્થિતિ અત્યારે ચિંતાજનક છે. અનિલ અંબાણી ઉપર દેવું વધતું જાય છે અને આર્થિક તંગી સામે જજૂમી રહ્યા છે. ત્યારે તેમની ચિંતામાં વધારો થયો છે. રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડે કહ્યું હતું કે, તેણે પંજાબ અને સિંધ બેંકની 40 કરોડ રૂપિયાથી વધુની ચુકવણીમાં ચૂક કરી છે. કંપનીએ કહ્યું કે તેની પાસે પૂરતી રોકડ અને રકમ હોવા છતાં પણ તેણે ચૂક કરી છે કારણ કે કોર્ટના આદેશને કારણે તે તેનો ઉપયોગ કરી શકતી નથી. 15 ફેબ્રુઆરી 2021 ના રોજ અનિલ અંબાણી નિયંત્રિત રિલાયન્સ કેપિટલની પેટાકંપની લોન ચુકવણીમાં ચૂક કરી છે. કંપની 40 કરોડ રૂપિયાની લોન અને 15 લાખ રૂપિયાનું વ્યાજ સમયસર આપી શકી નથી.
કંપનીએ શેર બજારોને જણાવ્યું હતું કે, તેણે પાંચ વર્ષના ગાળા માટે પંજાબ અને સિંધ બેંક પાસેથી 9.25 ટકાના દરે 200 કરોડ રૂપિયાની લોન લીધી હતી. તેણે કહ્યું હતું કે તેમની પાસે નેટ કેશમાં 1,500 કરોડ રૂપિયાથી વધુ છે. જો કે, દિલ્હી હાઈકોર્ટ દ્વારા 20 નવેમ્બર 2019 નાં આદેશને લીધે, તે આ સંપત્તિનો ઉપયોગ કરી શકશે નહીં. કંપનીની વિવિધ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પર રૂ. 4,358.48 કરોડ બાકી છે. કંપની પર કુલ આર્થિક બોજો 13,126 કરોડ છે, જેમાં લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની લોન શામેલ છે. આ સિવાય 28 ફેબ્રુઆરી 2021 સુધી આ લોન પર વ્યાજ પણ શામેલ કરવામાં આવ્યું છે.
આ પહેલા રિલાયન્સ કેપિટલ અગાઉ કન્વર્ટિબલ ડિબેંચર્સ માટે વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ ગયું હતું. 21 ફેબ્રુઆરીએ વ્યાજ ચૂકવવાનું હતું, જે કંપની કરી શકી નથી. રિલાયન્સ કેપિટલને સતત 49 મી વખત ડિફોલ્ટ થઇ હતી.
રિલાયન્સ કેપિટલ પર ભારેભરખમ બોજ છે. કંપનીએ પણ 31 જાન્યુઆરી 2020 થી 30 જાન્યુઆરી 2021 સુધીમાં એચડીએફસી બેંક અને એક્સિસ બેન્કના 11 હપ્તા ચૂકવ્યા નથી. કંપનીએ દર મહિને એચડીએફસીને 4.77 કરોડ ચૂકવવાના છે. કંપનીએ એચડીએફસી પાસેથી 524 કરોડ અને એક્સિસ બેંક પાસેથી 101 કરોડની લોન લીધી છે. એચડીએફસીનો વ્યાજ દર 10.60 ટકા છે, જ્યારે એક્સિસ બેંકનો વ્યાજ દર 13 ટકા છે. કંપની પર બેંકો અને નાણાકીય સંસ્થાઓનું કુલ દેવું 706 કરોડ રૂપિયા છે.
કંપની પર કુલ આર્થિક બોજો 20511 કરોડ રૂપિયા છે. ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર થયા છે અને કંપનીને આ ક્વાર્ટરમાં કુલ 4018 કરોડનું નુકસાન થયું છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં, કંપનીનું કુલ નુકસાન ફક્ત 135 કરોડનું હતું. દેવા ચુકવણીની બાબતમાં કંપનીની હાલતનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે સપ્ટેમ્બર 2019 માં, કેર રેટિંગ એજન્સીએ રિલાયન્સ કેપિટલનું 17000 કરોડનું દેવું ‘ડી’ ગ્રેડ ડિફોલ્ટમાં દર્જ કરાયું હતું.