બાંગ્લાદેશના ઢાકામાં ચાલી રહેલી 10મી એશિયા કપ હોકી ટુર્નામેન્ટની પોતાની બીજી સુપર-4 મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા મલેશિયાને 6-2થી કારમો પરાજય આપ્યો છે. ગુરૂવારે ભારતમાં આ ‘દિવાળી વિજય’માં અક્ષરદીપ સિંહ, હરમનપ્રીત સિંહ, એસકે ઉથપ્પા, ગુરજંટ સિંહ, એસવી સુનીલ અને સરદાર સિંહે 1-1 ગોલ નોંધાવ્યા હતા.
સુપર-4 મુકાબલામાં બુધવારે ભારતે દક્ષિણ કોરિયા સાથે 1-1થી મેચ ડ્રો થઈ હતી. આ વિજયની સાથે ભારતે સુપર-4માં મલેશિયાને નીચે ખસેડી ફાઇનલમાં પહોંચવાની પોતાની આશા મજબૂત કરી લીધી છે. વર્તમાન ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં એકપણ મેચ ન હારેલી મલેશિયન ટીમ પહેલી વખત પરાજયનો સ્વાદ ચાખાડ્યો હતો.
વિશ્વમા 12મો નંબર ધરાવતી મલેશિયન ટીમે આ પહેલાં વર્ષની છઠ્ઠી ક્રમાંકિત ભારતીય ટીમને સળંગ બે મેચમાં પરાજય આપ્યો હતો. 22 જૂને હોકી વર્લ્ડ લીગ સેમી ફાઇનલ્સમાં ભારતને ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયાએ 3-2થી હરાવ્યું હતું, જ્યારે આ પહેલાં પાંચમી મેએ અઝલન શાહ કપ હોકીમાં મલેશિયાએ ભારતને 1-0થી હરાવ્યું હતું.