ગયા મહિને જ હોકી એશિયા કપમાં ભારતીય પુરૂષ ટીમ ચેમ્પિયન બન્યા બાદ હવે ભારતીય મહિલા ટીમે પણ એશિયા કપ ટાઇટલ જીતી લીધું છે. રવિવારે રોમાંચક મેચમાં ભારતીય મહિલા ટીમે ચીનને 5-4થી માત આપીને એશિયા કપ પોતાના નામે કરી લીધો હતો. કાકામિઘારાના કાવાસાકી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે ચીનને માત આપી છે. આ સાથે ભારતે 2018ના વર્લ્ડકપ માટે ક્વોલિફાય કરી લીધું છે.
આ પહેલાં ભારતીય ટીમે ગત ચેમ્પિયન જાપાનને 4-2થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે સેમી ફાઇનલમાં ગુરજિત કૌરની હેટ્ટ્રિક સાથે કઝાકિસ્તાનને માત આપીને ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ભારતીય ટીમે ચોથી વાર આ ટુર્નામેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. 1999માં ભારતીય મહિલા હોકી ટીમ ફાઇનલમાં દક્ષિણ કોરિયાના હાથે 2-3થી હારી ગઈ હતી. જ્યારે 2004માં પણ તે ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી હતી. વર્ષ 2009માં બેંકોકમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે ફાઇનલ સુધીની સફર કરી હતી, પરંતુ ચીને 5-3થી માત આપીને ટાઇટલ છીનવી લીધું હતું.